વારંવાર દુષ્કર્મ આચરી વીડિયો ઈન્ટરનેટ પર ફરતા કર્યા, કોર્ટે લગ્ન કરવાની શરતે જામીન આપ્યા

March 05, 2025

અલાહાબાદ હાઈકોર્ટે દુષ્કર્મના આરોપીના પીડિતા સાથે ત્રણ મહિનામાં જ લગ્ન કરવાની શરતે જામીન મંજૂર કર્યા છે. હાઈકોર્ટે જણાવ્યું કે, આરોપી નરેશ મીણા (ઉ.વ. 26)એ જામીન પર છૂટ્યા બાદ ત્રણ મહિનામાં જ 23 વર્ષીય પીડિતા સાથે લગ્ન કરવા પડશે. પીડિતાની ફરિયાદના આધારે, રાજસ્થાનના  સીકરનો રહેવાસી નરેશ મીણા એક કોચિંગ સેન્ટરમાં પોતાની સાથે ભણતી 23 વર્ષીય યુવતીને પોલીસ ભરતી માટે મેડિકલ ટેસ્ટ કરાવવાના બહાને એક હોટલમાં લઈ ગયો હતો. ત્યાં તેના પર દુષ્કર્મ આચરી અશ્લીલ વીડિયો અને ફોટો લીધા હતા. બાદમાં તેને બ્લેકમેઈલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે 26 વર્ષીય આરોપીની ધરપકડ કરી હતી. જો કે, હાઈકોર્ટે સુનાવણીમાં પીડિતા સાથે લગ્ન કરવાની શરતે તેને કેસમાંથી મુક્તિ આપી છે. પીડિતાએ ઉત્તર પ્રદેશના ખંદોલી પોલીસ સ્ટેશન પર આરોપ લગાવ્યો હતો કે, તેના કોચિંગ સેન્ટરમાં તેની સાથે ભણતા નરેશ મીણાએ પોલીસમાં નોકરી લગાવી આપવાના બહાને નવ લાખ રૂપિયા માગ્યા હતાં. 17થી 24 ફેબ્રુઆરીએ પોલીસ ભરતીની પરીક્ષા આપવાના બહાને આગ્રા લાવ્યો હતો. મેડિકલ ટેસ્ટ કરાવવાના બહાને હોટલમાં લાવી તેના શરીર પર પાવડર લગાવી તેને બેભાન કરી હતી. બાદમાં દુષ્કર્મ આચર્યો હતો. તેનો અશ્લીલ વીડિયો અને ફોટો પણ ઉતાર્યા હતા. બાદમાં તેને બ્લેકમેઈલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. આ દુષ્કર્મનો વીડિયો તેણે ઈન્ટરનેટ પર પોસ્ટ પણ કર્યો હતો. 21 સપ્ટેમ્બરે પોલીસે તેની ધરપકડ કરી હતી. સિનિયર એડવોકેટ નીરજ પાઠકે જણાવ્યું હતું કે જામીન અરજી હાઇકોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. હાઈકોર્ટે જેલમાંથી છૂટ્યા બાદ ત્રણ મહિનાના સમયગાળામાં પીડિતા સાથે લગ્ન કરવાની શરતે આરોપીની જામીન અરજી મંજૂર કરવાનો આદેશ આપ્યો છે. આરોપીને મુક્ત કર્યા બાદ પીડિતા સાથે આદેશ અંગે વાત કરવામાં આવશે.