હવેથી હાઉસિંગ સોસાયટીઓ આટલા રૂપિયા જ ટ્રાન્સફર ફી લઈ શકશે: ગુજરાત સરકારનો મોટો નિર્ણય

March 03, 2025

ગુજરાતમાં 30 હજારથી વધુ હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓ આવેલી છે, ત્યારે આવી સોસાયટીઓનું સંચાલન સહકારી કાયદા અન્વયે થતું હોય છે. આવી સોસાયટીઓમાં જ્યારે પણ કોઈ વ્યક્તિ દ્વારા ઘરની ખરીદી કરવામાં આવતી હોય ત્યારે સોસાયટી દ્વારા તે વ્યકિત પાસેથી ટ્રાન્સફર ફી વસૂલ કરવામાં આવતી હોય છે. આવી ટ્રાન્સફર ફી બાબતે સહકારી કાયદા અને નિયમોમાં જોગવાઈ ન હોવાના અભાવે, સોસાયટીઓ દ્વારા મનમાની કરીને વ્યક્તિઓ પાસેથી મોટી ટ્રાન્સફરથી વસૂલ કરવામાં આવતી હોવાની ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી. જેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીમાં થતી હેરાનગતિને અટકાવવા માટે ટ્રાન્સફર સંબંધિત જરૂરી કાયદા અને નિયમો બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને તેના અનુસંધાને વર્ષ 2024માં સહકારી કાયદામાં સુધારો કરાયો હતો.  સોમવારે (3 માર્ચ) રાજ્ય સરકાર દ્વારા સહકારી કાયદામાં થયેલા સુધારા અંતર્ગત નિયમો નક્કી કરવામાં આવ્યા છે. જે અનુસાર હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં કોઈપણ ઘરનાં ખરીદ/ વેચાણ સમયે કુલ અવેજ રકમના 0.5 ટકા અથવા વધુમાં વધુ રૂપિયા 1 લાખ કરતાં કોઈ વધુ ટ્રાન્સફર ફી વસૂલ કરી શકશે નહી, તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ રકમ વધુમાં વધુ છે, તેથી હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટી પોતાની મેળે તે રકમમામં ઘટાડો કરી શકે છે. પરંતુ, કોઈપણ સંજોગોમાં આ રકમથી વધુ રકમ વસુલ કરી શકાશે નહીં. આ વિશે સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, હાઉસિંગ અને હાઉસિંગ સર્વિસ સોસાયટીઓમાં પ્રમુખ/ મંત્રી અને કમિટી સભ્યો દ્વારા મકાનની ખરીદ/ વેચાણ સમયે વ્યક્તિઓને ટ્રાન્સફર ફી વસૂલાત માટે કરવામાં આવતી કાર્યવાહી સામેમાં પણ મોટી મોટી રાહત મળશે. આ નિયમો અનુસાર, કોઈપણ કાયદેસરના વારસદારને જો કોઈ અવેજ વગર મિલકત ટ્રાન્સફર કરવામાં આવી હશે તો પણ ટ્રાન્સફર ફી લઈ શકાશે નહીં. તેમજ, જો કોઈ વ્યક્તિ પાસેથી ડેવલપમેન્ટ ચાર્જ, દાન કે અન્ય કોઈપણ નામે ટ્રાન્સફર સમયે કોઈપણ રકમ સોસાયટી દ્વારા વસૂલ કરી શકાશે નહીં.