હાર્દિક પંડયાનું આક્રમક ફોર્મ જારી, શાર્દુલ ઠાકુરના નામે સૌથી ખરાબ બોલિંગ

November 30, 2024

ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ સ્પિનર પરવેઝ સુલ્તાનની એક ઓવરમાં 28 રન અને પાંચ છગ્ગા ફટકારીને પોતાના શાનદાર બેટિંગ ફોર્મને જારી રાખ્યું છે જેના દ્વારા બરોડાએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ગ્રૂપ-બીની મેચમાં ત્રિપુરાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. 110 રનનો ટાર્ગેટ ચેઝ કરનાર બરોડાએ હાર્દિકના 23 બોલમાં 47 રનની મદદથી 11.2 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી. બરોડાએ તમામ ચારેય મેચ જીતી છે.

ગ્રૂપ-ઇની મેચમાં કેરળની ટીમે મુંબઇને 43 રનથી પરાજય આપ્યો હતો. આ મેચમાં શાર્દુલ ઠાકુરે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઇતિહાસમાં સૌથી ખર્ચાળ બોલિંગ સ્પેલનો રેકોર્ડ નોંધાવ્યો હતો. આઇપીએલની હરાજીમાં અવગણના થયા બાદ શાર્દુલે ચાર ઓવરમાં સંજૂ સેમસન (4)ને આઉટ કર્યા બાદ 69 રન આપી દીધા હતા. તેની ઓવર્સમાં કુલ છ છગ્ગા અને પાંચ ચોગ્ગા નોંધાયા હતા. કેરળની ટીમે સલમાન નિજારના અણનમ 99 રનની મદદથી પાંચ વિકેટે 234 રન બનાવ્યા હતા. સુકાની અજિંક્ય રહાણેએ 68 રન બનાવ્યા હોવા છતાં મુંબઇની ટીમ નવ વિકેટે 191 રન બનાવી શકી હતી.