ગુજરાતના છ જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદનું અલર્ટ, 62-87ની ઝડપે ફૂંકાશે પવન

May 17, 2025

ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે સિનોપ્ટિક સિચ્યુએશનના કારણે આગામી 23 મે સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી છે. જ્યારે આજે શનિવારે (17 મે, 2025) નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે બપોરના 4  વાગ્યાથી આગામી ત્રણ કલાક સુધી છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, નર્મદા, ડાંગ, તાપી જિલ્લામાં ગાજવીજ અને 62-87ની સ્પિડે પવન ફૂંકવવાની સાથે ભારે વરસાદની હવામાન વિભાગે ચેતવણી આપી છે. જ્યારે સતત ત્રણ દિવસ દરમિયાન રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. ચાલો જાણીએ કયા દિવસે ક્યા-ક્યા પડશે કમોસમી વરસાદ. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 18થી 20 મે દરમિયાન સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ કમોસમી વરસાદની આગાહી છે.

21 મેના રોજ રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અને વડોદરા, છોટા ઉદેપર, નર્મદા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.