હિઝબુલ્લાએ ઈઝરાયલ પર બીજો સૌથી મોટો હુમલો કર્યો, 135 ઘાતક 'ફાદી-1' મિસાઇલો છોડી

October 08, 2024

સોમવારે છેલ્લા એક અઠવાડિયામાં ઈઝરાયલ પર બીજો સૌથી મોટો હુમલો થયો. આ વખતે લેબનોનથી હિઝબુલ્લાએ ઈઝરાયલના હાઈફા વિસ્તારમાં ઓછામાં ઓછી 135 'ફાદી-1' મિસાઈલ છોડી છે. હાઈફા ઈઝરાયલનું ત્રીજું સૌથી મોટું શહેર છે. આ હુમલામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલા બાદ અરાજકતા ફેલાઈ ગઈ હતી. સાયરન સતત વાગતી રહ્યા હતા. આ દરમિયાન લોકો બોમ્બ શેલ્ટરમાં છુપાયેલા જોવા મળ્યા હતા.

હિઝબુલ્લાએ દાવો કર્યો હતો કે, સોમવારે સાંજે લગભગ 5 વાગ્યે તેણે ઈઝરાયલના ત્રીજા સૌથી મોટા શહેર હાઈફા પર રોકેટ અને મિસાઈલ હુમલો કર્યો હતો. હિઝબુલ્લાએ પહેલીવાર 'ફાદી-1' મિસાઈલનો ઉપયોગ કર્યો છે. જેના કારણે હાઈફામાં મોટું નુકસાન થયું છે. ઈઝરાયલની સેના 7 ઓક્ટોબર 2023ના રોજ હત્યાકાંડની પ્રથમ વર્ષગાંઠ મનાવી રહી છે. આ દરમિયાન હિઝબુલ્લાના ઝડપી હુમલાથી ઈઝરાયલ શહેર હચમચી ઉઠ્યું છે.

હિઝબુલ્લાહ પાસે રહેલી 'ફાદી' મિસાઈલ ખૂબ જ ઘાતક માનવામાં આવે છે. તેની રેન્જ 80 કિમી સુધીની છે. તેને મોબાઈલ પ્લેટફોર્મ પરથી પણ લોન્ચ કરી શકાય છે. તે 83 કિલોના વોરહેડથી સજ્જ છે, જે કોઈપણ પ્રકારના લક્ષ્યને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. તેની સૌથી મોટી વિશેષતા તેની ફાયરપાવર છે. આ જ કારણ છે કે તે ઈઝરાયલના આયર્ન ડોમમાં ઘૂસીને અંદર પ્રવેશ કરે છે.