'હું એમ નથી કહેતો કે મેં યુદ્ધ અટકાવી દીધું...', ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થા પર ટ્રમ્પે ફેરવી તોળ્યું

May 16, 2025

ભારત અને પાકિસ્તાનના તણાવ બાદ યુદ્ધવિરામ મામલે પોતાની ભૂમિકાને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત નિવેદન આપ્યું છે. ટ્રમ્પે કહ્યું કે, 'હું એવું નથી કહી રહ્યો કે મે મધ્યસ્થા કરાવી, પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા અઠવાડિયાથી વધી રહેલા તણાવ ભરી સ્થિતિનો ઉકાલ લાવવા માટે મે મદદ કરી...'

એક કાર્યક્રમમાં ટ્રમ્પે કહ્યું કે, 'મે ખાલી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવને દૂર કરવામાં મદદ કરી હતી. હું એવું નથી કહેતો કે મેં મધ્યસ્થા કરી.' તમને જણાવી દઈએ કે, 10 મેના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની ઘોષણા થઈ હતી.

ઓપરેશન સિંદૂર બાદથી બેબાકળું થયેલું પાકિસ્તાન સતત ગુજરાતથી લઈને કાશ્મીર સુધી સરહદી વિસ્તારોમાં મિસાઇલ અને ડ્રોનથી હુમલાના નિષ્ફળ પ્રયાસ કરી રહ્યું છે. એવામાં હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન બંને દેશો સીઝફાયર માટે તૈયાર થયા છે. ટ્રમ્પે 'ટ્રુથ સોશિયલ' નામના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ અંગે પોસ્ટ કરીને જાણકારી આપી છે. ટ્રમ્પે કહ્યું હતું, અમેરિકાની મધ્યસ્થતામાં લાંબી વાતચીત બાદ જાહેરાત કરતાં આનંદ થઈ રહ્યો છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણપણે અને તાત્કાલિક યુદ્ધ વિરામ (સીઝફાયર) માટે તૈયાર થયા છે. બંને દેશોને શુભકામના.'