પૈસા પાછા નહોતો આપતો, તો રસ્તાની વચ્ચે જ સળગાવી નાંખ એક કરોડની મોંઘીદાટ કાર

April 16, 2024

હૈદરાબાદ : પૈસાની વેલ્યુ કરો તો રાખ પણ લાખ છે અને ના કરો તો કરોડો પણ કોરા છે. હૈદરાબાદમાંથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં જાણી જોઈને એક મોંઘીદાટ કારને આગને હવાલે કરવામાં આવી છે. હૈદરાબાદ શહેરની હદમાં અંદાજિત 1 કરોડ રૂપિયાની ફેન્સી સ્પોર્ટ્સ કારમાં આગ લાગી હતી. સોમવારે પીળી લેમ્બોર્ગિની ગેલાર્ડો સળગતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ અંગે વધુ તપાસ કરતા પોલીસને અનોખું રહસ્યમદ સત્ય સાંપડ્યું હતુ.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર થતાની સાથે જ લોકોએ શહેરમાં મોંઘા વાહનોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હૈદરાબાદ પોલીસના જણાવ્યા અનુસાર કારના માલિક સાથેના વિવાદને કારણે કાર વેચનારા બે લોકોએ કારને સળગાવી દીધી હોવાની માહિતી છે. આ ઘટના 13મી એપ્રિલની સાંજે બની હતી, જ્યારે આ કારને હૈદરાબાદના મામીદિપલ્લી રોડ પર લાવવામાં આવી હતી.