મહાકુંભને બદનામ કર્યો તો ખેર નહીં... 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ FIR

February 14, 2025

પ્રયાગરાજ : મહાકુંભને બદનામ કરવા માટે કેટલાક એકાઉન્ટમાંથી એવા વીડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે, જેને ભારત સાથે દૂર દૂર સુધી કોઈ લેવાદેવા નથી. થોડા દિવસો પહેલા મહાકુંભમાં એક સ્થળે આગ લાગી હતી, જેના વાયરલ થયેલા વીડિયોની હકીકત પણ સામે આવી છે. પોલીસે મહાકુંભમાં લાગેલી આગના વીડિયોની તપાસ કરતાં તે વીડિયો ઈજિપ્તમાં લાગેલી આગના હોવાનું સામે આવ્યું છે. આ મામલે પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, એક એક્સ એકાઉન્ટ અને એક યૂટ્યૂબ ચેનલ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે. એટલું જ નહીં પટણાના વીડિયોને મહાકુંભ દેખાડનારા સાત ફેસબુક અને આઠ એક્સ એકાઉન્ટ વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.


ઉત્તર પ્રદેશ પોલીસ અગાઉ પણ ભ્રામક પોસ્ટ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરી ચૂકી છે. અત્યાર સુધીમાં 54 સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ યુપી પોલીસ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કડક નજર રાખી રહી છે. ડીજીપીએ તમામને અપીલ કરી છે કે, ફેક વીડિયો અને ખોટા અહેવાલો પોસ્ટ અને શેર ન કરે. કુંભ મેલા પોલીસે એક પોસ્ટમાં કહ્યું કે, ગત વર્ષ 2024માં બિહારના પટણામાં ઘટના બની હતી, જેનો વીડિયો પોસ્ટ કરીને તેને મહાકુંભનો હોવાનું બતાવી અફવા ફેલાવવામાં આવી. આ મામલે પોલીસે વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ વિરુદ્ધ એફઆઇઆર નોંધી છે. પોલીસે લોકોને અપીલ કરી છે કે, તેઓ તથ્યો ચકાસ્યા વગર સોશિયલ મીડિયા પર ભ્રામક પોસ્ટ ન કરે.