ચીનમાં પાલતુ બિલાડીએ ભારે કરી, ઘરને આગ લગાડતાં રૂ. 11 લાખનું નુકસાન

April 29, 2024

ચીનમાં એક પાલતુ બિલાડીએ ઘરમાં આગ લગાવી દીધી હતી. જેના લીધે ઘર માલિકને રૂ. 11 લાખ (1,00,000 યુઆન)નું નુકસાન થયું છે. ચીનના એક મીડિયા અખબાર અનુસાર, ચીનના સિચુઆન પ્રાંતમાં આ બનાવ બન્યો હતો. ઘરની માલિક ડાંડનને 4 એપ્રિલે તેના પ્રોપર્ટી મેનેજમેન્ટ સ્ટાફનો ફોન આવ્યો અને જણાવ્યું કે, તમારા ઘરમાં આગ લાગી છે. તે તુરંત જ નોકરીએથી ઘરે આવી અને જોયું તો તેની જિંગોડિયો નામની બિલાડીએ આ કારસ્તાન કર્યું છે. જેના લીધે ઘરનો ફર્સ્ટ ફ્લોર બળીને ખાખ થયો હતો. ડાંડન તેની બિલાડીને ઘરે મૂકી ગઈ હતી. જે કિચનમાં રમી રહી હતી. બિલાડીએ એપ્લાયન્સિસની ટન પેનલ પર ચાલતાં ચાલતાં ભૂલથી ઈન્ડક્શન કૂકર ચાલુ કરી દીધો હતો.  જેના લીધે આ આગ લાગી હતી. જો કે, આગ લાગતાં જ ફાયર ફાઈટર્સ દોડી આવ્યા હતા. જેમને બિલાડી ઉપરના માળે એક કેબિનેટમાં છુપાયેલી મળી હતી. જે રાખમાં ઢંકાયેલું હતું. ફાયર ફાઈટર પણ આશ્ચર્યચકિત થયા હતા કે, બિલાડીએ પોતાનો જીવ બચાવવા પોતાને સંતાડી હતી. આ ઘટનામાં બિલાડી તો બચી ગઈ, પરંતુ ઘરની માલિકે પણ કોઈ ઉગ્ર પ્રતિક્રિયા આપી ન હતી. તેણે ઈન્ડક્શન કૂકરનો પાવર બંધ ન કરવા બદલ પોતાને જ દોષી ઠેરવી હતી. તેમજ ભવિષ્યમાં આગ સલામતી અંગે વધુ સાવચેત રહેવાની ખાતરી આપી હતી. ડાંડને સોશિયલ મીડિયા પર પોતાની બિલાડીનુ કારસ્તાન શેયર કરતાં તેને અનેક લાઈક્સ અને ફિડબેક મળ્યા હતા. લોકો માટે તે રમૂજી કિસ્સો બન્યો હતો. ઘણા યુઝરે પોતાના પાલતુ પ્રાણીઓ સાથે બનેલા આવા રમૂજી કિસ્સા પર શેયર કર્યા હતા. એક યુઝરે કમેન્ટમાં કહ્યું હતું કે, "મારી બિલાડી મોટાભાગે ટોઇલેટ ફ્લશ કરતી રહે છે, જેના લીધે મારે પાણીના મોટા બિલ ચૂકવવા પડે છે."