ચીનમાં આકાશમાંથી અંગારા વરસી રહ્યા છે, શાંઘાઈમાં છેલ્લા 100 વર્ષનો ગરમીનો રેકોર્ડ તુટયો

May 30, 2023

શાંઘાઈમાં સોમવારે ગરમીએ છેલ્લા 100 વર્ષનો રેકોર્ડ તોડી નાંખ્યો છે. 29 મેનો દિવસ છેલ્લા 100 વર્ષનો સૌથી ગરમ દિવસ જાહેર કરાયો છે. બપોરે એક વાગ્યે આ શહેરમાં 36.1 ડિગ્રી તાપમાન રેકોર્ડ કરવામાં આવ્યુ હતુ. જ્યારે સેન્ટ્રલ શાંઘાઈના મેટ્રો સ્ટેશન પર તાપમાન વધીને 36.7 ડિગ્રી નોંધાયુ હતુ. ચીનના વૈજ્ઞાનિકો પણ કહી રહ્યા છે કે વધતી જતી ગરમીનુ કારણ ગ્લોબલ વોર્મિંગ છે. જેના પર તાજેતરમાં જ યુએનની ક્લાઈમેટ ચેન્જ પેનલ દ્વારા ચેતવણી આપવામાં આવી હતી. ચીનમાં જુના રેકોર્ડ જોવામાં આવે તો સૌથી વધારે તાપમાન 35.7 ડિગ્રી નોંધાયુ હતુ. તેનાથી ઉપર પારો ક્યારે ગયો નહોતો. બીજી તરફ યુએન દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે, 2023થી 2027 સુધી દુનિયામાં ભયંકર ગરમી પડવાની છે. આકાશમાંથી અંગારા વરસે તેવો અનુભવ થશે. તેનુ કારણ ગ્રીન હાઉસ ગેસો અને અલ નીનો છે. જે તાપમાનમાં વધારો કરવાના છે.