નવરાત્રિમાં ગજરાજ પર સવાર થઈ આવશે મા દુર્ગા, હસ્ત નક્ષત્રમાં થશે ઘટસ્થાપના; જાણો મુહૂર્ત

September 01, 2025

આસો માસની નવરાત્રિને શારદીય નવરાત્રિ પણ કહેવાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 9 દિવસના બદલે 10 દિવસની રહેશે અને ખૂબ જ સારા યોગમાં પ્રારંભ થઈ રહ્યો છે. આ વર્ષે ભક્તો નવરાત્રિમાં માં દુર્ગાની આરાધના કરવા માટે 10 દિવસ પૂરા મળશે. તિથિ વધવાથી નવરાત્રિના દિવસ વધતા 10 દિવસની નવરાત્રિ હોવી શુભ માનવામાં આવે છે. 

22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી ચાલશે નવરાત્રિ 

આ વર્ષ શારદીય નવરાત્રિની શરુઆત 22 સપ્ટેમ્બરથી થઈ રહી છે. આ વર્ષે ત્રીજની તિથિમાં વધારો થવાના કારણે 24 અને 25 સપ્ટેમ્બર બંને દિવસોમાં ત્રીજ ગણવામાં આવશે. જેના કારણે નવરાત્રિ 9 દિવસની જગ્યાએ 10 દિવસની રહેશે. નવરાત્રિ 1 ઓક્ટોબર સુધી ચાલશે અને 2 ઓક્ટોબરના રોજ દશેરા મનાવવામાં આવશે. 

2 ઓક્ટોબરના રોજ દશેરા મનાવવામાં આવશે

આ વર્ષે નવરાત્રિની આઠમ 30 સપ્ટેમ્બરના રોજ મહાનવમી 1 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવશે. ત્યાર બાદ 2 ઓક્ટોબરના રોજ દશેરાના દિવસે માં દુર્ગાને વિદાય આપવામાં આવશે, આ દિવસે માં દુર્ગાની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. 

શારદીય નવરાત્રિનું ઘટસ્થાપના મુહૂર્ત

આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 21 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 1.24  વાગ્યાથી શરૂ થશે અને 22 સપ્ટેમ્બર 2025 ના રોજ સવારે 2.55 વાગ્યા સુધી રહેશે. ચાલશે. 22 સપ્ટેમ્બરના રોજ ઉદયતિથિના આધારે નવરાત્રિ શરૂ થશે. તે જ દિવસે સવારે 11.55 વાગ્યા પછી હસ્ત નક્ષત્ર હશે, જે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

22 સપ્ટેમ્બરના રોજ નવરાત્રિના ઘટસ્થાપન માટે 3 શુભ મુહૂર્ત 

અમૃત મુહૂર્ત: સવારે 6.19 થી 7.49  વાગ્યા સુધી

શુભ મુહૂર્ત: સવારે 9.14થી 10.49 વાગ્યા સુધી

અભિજિત મુહૂર્ત: સવારે 11.55થી 12.43 વાગ્યા સુધી

માતાની સવારી

શારદીય નવરાત્રિમાં માતાનું આગમન ગજરાજ પર થશે અને પ્રસ્થાન માનવના ખભા પર થશે. મા દુર્ગાનું હાથીની સવારી પર આગમન સુખ અને સમૃદ્ધિ લાવનાર માનવામાં આવે છે. તો, માનવ ખભા પર પ્રસ્થાન પણ શુભ માનવામાં આવે છે. આનાથી વ્યવસાયમાં વધારો થશે, સંબંધોમાં સુધારો થશે.