લોકસભા ચૂંટણી વચ્ચે ભાજપને કોંગ્રેસના 'ગેરન્ટી કાર્ડ' સામે વાંધો, ચૂંટણી પંચ સમક્ષ કરી ફરિયાદ

April 17, 2024

મોદીની ગેરન્ટીના નામે 2024ના લોકસભા ચૂંટણી મેદાને ઉતરેલા ભાજપને હવે કોંગ્રેસના ગેરન્ટી કાર્ડ સામે વાંધો પડ્યો છે. ભાજપે આ મામલે કોંગ્રેસના ઘર ઘર ગેરન્ટી અભિયાનને લાંચખોરી સમાન ભ્રષ્ટ આચરણ ગણાવ્યો અને ચૂંટણીપંચને તેને રોકવા આગ્રહ કર્યો હતો. ભાજપે કહ્યું કે આ અભિયાન 3 એપ્રિલે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ શરૂ કર્યું હતું અને પાર્ટીના કાર્યકરો લોકો પાસે જઈને ગેરન્ટી કાર્ડ વિતરણ કરી રહ્યા છે અને તેમને પાર્ટીના વાયદા પ્રમાણે લાભ મેળવવા માટે આવેદનપત્રો સોંપી રહ્યા છે. આ મામલે ચૂંટણીપંચને કરાયેલી ફરિયાદમાં ભાજપે કહ્યું કે કાર્ડ પર કોંગ્રેસના મુખ્ય નેતાઓ રાહુલ ગાંધી અને ખડગેના હસ્તાક્ષર છે. આ પ્રકારની પહેલ મતદારોનો વિશ્વાસ ડગમગાવે છે. આવી પહેલા મુકતરૂપે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીના સિદ્ધાંતનું ઉલ્લંઘન કરે છે. ભાજપે આદર્શ આચાર સંહિતા અને આઈપીસીનો હવાલો આપતાં કહ્યું કે વિપક્ષનું આ અભિયાન ભ્રષ્ટ આચરણ તથા લાંચખોરી હેઠળ આવે છે. ભાજપે ચૂંટણીપંચ સમક્ષ ફરિયાદ કરતા માગ કરી હતી કે કોંગ્રેસને ગેરન્ટી કાર્ડ કે પછી એવી કોઈ પણ સામગ્રી કે પ્રકાશન, પ્રસારણ અને વિતરણથી તાત્કાલિક રોકવામાં આવે જેનો ઉદ્દેશ્ય ચૂંટણી લાંચખોરીને પ્રોત્સાહન આપવાનો અને મતદારોને આકર્ષિત કરવાનો છે.