જંબુસર નજીક દરિયામાં બોટ પલટવાની ઘટના, વીડિયો સામે આવ્યા

December 07, 2025

ભરૂચ : ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે (6 ડિસેમ્બર) ONGCના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં ગોથું ખાઈ હતી. જેના લાઈવ દ્રશ્યો સામે આવ્યા છે. ભરતીનું પાણી વધી જતાં આ દુર્ઘટના સર્જાઇ હતી. 23  ONGCના શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે જ્યારે બોટ માલિક રોહિત મકવાણાનું મોત થયું હતું. અન્ય એક યુવક ગુમ છે. 


દરિયા કાંઠે લંગારેલી બોટમાં શ્રમિકો બેસી રહ્યા હતા તે સમયે અચાનક જ ભરતીનું પાણી વધી ગયું હતું. જેથી બોટ એક તરફ નમી ગઈ હતી. બોટમાં બેઠેલા શ્રમિકોમાં અફરાતફરી મચી હતી અને બચવા માટે અનેક શ્રમિકો બોટના એક પડખા પર ઊભા રહી ગયા હતા. પણ વધારે પાણી ભરાઈ જવાના કારણે બોટે 5 થી 7 સેકન્ડમાં જ જળસમાધિ લઈ લીધી હતી.  આસરસા ગામ જંબુસરથી 35 કિમીના અંતરે આવેલું છે અને તે જગ્યાએથી એક ખાડી પસાર થાય છે જે અરબી સમુદ્રને મળે છે. આંખના પલકારે બનેલી આ ઘટનામાં બોટ માલિક રોહિત ગણપત મકવાણાનું બોટ નીચે દબાઈ જતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 23 શ્રમિકોને બચાવી લઈ તેમણે તાત્કાલિક સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય એક શ્રમિક નરેશ અનોપ રાઠોડ હજુ પણ લાપતા છે.