IND vs AUS 5th T20: વરસાદને કારણે પાંચમી T20 રદ, ભારતે 2-1 થી સીરિઝ જીતી

November 08, 2025

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે T20I સીરિઝની પાંચમી અને અંતિમ મેચ શનિવારે (8 નવેમ્બર) બ્રિસ્બેનના ગાબા ખાતે રમાઈ હતી. વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. ભારે વરસાદ અને વીજળીના કારણે રમત અટકી તે પહેલાં ભારતે કોઈ નુકસાન વિના 52 રન બનાવ્યા હતા. મેચ રદ થતાં, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે T20I સીરિઝ 2-1 થી જીતી લીધી.

બ્રિસ્બેન: વરસાદને કારણે પાંચમી T20I રદ, ભારતે 2-1 થી સીરિઝ જીતી

ટીમ ઈન્ડિયાનો સ્કોર 52/0, વીજળીના કડાકા થતાં મેચ અટકી 

ટીમ ઈન્ડિયાનો સ્કોર હાલમાં 52/0 થઇ ગયો છે. એક પણ વિકેટ પડી નથી. જોકે વીજળીના જોરદાર કડાકા થતાં મેચ અટકાવવાનો નિર્ણય લેવાયો હતો. થોડીવાર પછી મેચ ફરી શરૂ થવાની શક્યતા છે. 

ગિલ-અભિષેકની તોફાની બેટિંગ, 4 ઓવરમાં સ્કોર 48/0, કાંગારૂ બોલર્સને વિકેટની તલાશ 

શુભમન ગિલ અને અભિષેક શર્માએ તોફાની શરૂઆત કરતાં પહેલી જ ઓવરથી ઓસ્ટ્રેલિયન બોલર્સની ધોલા શરૂ કરી હતી. અત્યાર સુધીમાં 4 ઓવરમાં ભારતનો સ્કોર 48/0 છે.  

ભારતની પહેલી બેટિંગ શરૂ, ગિલ-અભિષેક ઓપનિંગમાં ઉતર્યા 

ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી ભારતને પહેલી બેટિંગ કરવા આમંત્રણ આપ્યું છે. જેમાં અભિષેક શર્મા અને શુભમન ગિલ મેદાને ઉતર્યા હતા. બંનેએ ઝડપી શરૂઆત કરતા પહેલી જ ઓવરમાં 11 રન બનાવ્યા હતા. 

ભારત સીરીઝમાં 2-1થી આગળ 

ભારતીય ટીમ આ પાંચ મેચોની સીરીઝમાં હાલ 2-1થી આગળ છે. જો ટીમ ઈન્ડિયા આજનો મુકાબલો જીતી લેશે, તો તે T20 સીરીઝ પોતાના નામે કરી લેશે. ઉલ્લેખનીય છે કે, બંને ટીમો વચ્ચે કેનબરા ખાતે રમાયેલી T20 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ મેલબોર્ન T20 મેચ 4 વિકેટે જીતીને સીરીઝમાં શરૂઆત કરી હતી. જોકે, ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરતા હોબાર્ટ (5 વિકેટે) અને ગોલ્ડ કોસ્ટ (48 રને) T20 મેચમાં કાંગારૂ ટીમને પરાજય આપ્યો હતો.

આજના મહત્વના મુકાબલા માટે ભારતીય ટીમની પ્લેઇંગ-11માં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મિડલ ઓર્ડર બેટ્સમેન તિલક વર્માને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે તેના સ્થાને વિસ્ફોટક ફિનિશર રિંકુ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, યજમાન ઓસ્ટ્રેલિયન ટીમે ગોલ્ડ કોસ્ટ T20 મેચની પોતાની વિજેતા ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

પાંચમી T20I માટે ભારતના પ્લેઇંગ 11: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, શિવમ દુબે, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.

પાંચમી T20I માટે ઓસ્ટ્રેલિયાના પ્લેઇંગ 11: મિચેલ માર્શ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), ટિમ ડેવિડ, જોશ ફિલિપ, માર્કસ સ્ટોઇનિસ, ગ્લેન મેક્સવેલ, ઝેવિયર બાર્ટલેટ, નાથન એલિસ, એડમ ઝામ્પા, બેન દ્વારશુઇસ.