બાંગ્લાદેશમાં પણ ઇન્ડિયા આઉટ કેમ્પેઇન ! ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની અપીલ

March 19, 2024

બાંગ્લાદેશમાં આ વર્ષે જાન્યુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ સતત ભારત વિરોધી અભિયાન જોવા મળી રહ્યું છે. આ ચૂંટણીમાં શેખ હસીનાના નેતૃત્વમાં સત્તારૂઢ અવામી લીગ સતત ચોથી વખત સત્તામાં પરત ફરી હતી. બાંગ્લાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને ભારત પર ચૂંટણીને પ્રભાવિત કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારથી બાંગ્લાદેશમાં સોશિયલ મીડિયા પર ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન જોવા મળી રહ્યું છે.

આ ઝુંબેશ ભૂતકાળમાં માલદીવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન મોહમ્મદ મુઇઝુ દ્વારા ચલાવવામાં આવેલા અભિયાનો જેવું જ છે. એક સમાચાર એજન્સીના જણાવ્યાનુસાર ઇન્ડિયા આઉટ અભિયાન હેઠળ બાંગ્લાદેશી જનતાનો એક વર્ગ ચૂંટણીમાં અવામી લીગની ભૂમિકા પ્રત્યે અસંતોષ દર્શાવે છે. ઝુંબેશના સમર્થકો કહે છે કે અવામી લીગને ભારતનું સમર્થન તેના આર્થિક અને સુરક્ષા હિતોનું રક્ષણ કરવા માટે છે. આમ કરીને ભારતે બાંગ્લાદેશની લોકતાંત્રિક પ્રક્રિયાને નબળી પાડી છે.

સોશિયલ મીડિયા યુઝર્સ બાંગ્લાદેશના ઘરેલુ મામલામાં ભારતની સતત દખલગીરીના વિરોધમાં ભારતીય ઉત્પાદનોના બહિષ્કારની હાકલ કરી રહ્યા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં છેલ્લા એક દાયકામાં યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ અવામી લીગ પર સતત અનિયમિતતા અને છેડછાડના આરોપો લાગ્યા છે. તેનાથી બાંગ્લાદેશની લોકતાંત્રિક પ્રક્રિયાઓ અંગે લોકોની ચિંતા વધી છે. મોટી સંખ્યામાં લોકો માની રહ્યા છે કે અવામી લીગને ભારતમાંથી સમર્થન મળી રહ્યું છે.