17 સપ્ટેમ્બરે ઈન્દિરા અગિયારસ: હજારો વર્ષની તપસ્યાનું મળશે ફળ, જાણો ઉપાય અને શુભ મુહૂર્ત

September 16, 2025

ભાદરવા મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીના રોજ ઇન્દિરા એકાદશી વ્રત રાખવામાં આવે છે. આ એકાદશી પિતૃ પક્ષમાં આવે છે અને તેનું વિશેષ મહત્ત્વ રહેલુ છે. ગરુડ પુરાણ પ્રમાણે ઇન્દિરા એકાદશીનું વ્રત જન્મ-જન્માંતરના પાપોનો નાશ કરે છે અને મૃત્યુ પછી આત્માને ઉચ્ચ લોકમાં સ્થાન મળે છે. આ વ્રત પૂર્વજોને નરકમાંથી મુક્ત કરે છે અને તેમને વૈકુંઠ લોક પ્રાપ્ત થાય છે. આ દિવસે પૂર્વજોને તર્પણ અને પિંડદાન કરવાથી પૂર્વજોના આત્માને શાંતિ મળે છે.

વૈદિક પંચાંગ પ્રમાણે ઇન્દિરા એકાદશીની તિથિ તા. 16 અને 17 સપ્ટેમ્બરની મધ્યરાત્રિના 12.21 થી શરૂ થશે અને 17 સપ્ટેમ્બરના રોજ રાત્રે 11.39 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિ પ્રમાણે ઇન્દિરા એકાદશી વ્રત 17 સપ્ટેમ્બર, બુધવારના રોજ મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય કન્યા રાશિમાં અને ચંદ્ર કર્ક રાશિમાં રહેશે.

તો પંચાંગમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે અભિજીત મુહૂર્ત નહીં હોય, જ્યારે રાહુકાલ બપોરે 12.15 થી 1.47 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન શુભ કાર્યો ટાળવા જોઈએ. ઇન્દિરા એકાદશી વ્રતનો પારણા સમય 18 સપ્ટેમ્બરના રોજ સવારે 06.07થી 08.34 સુધીનો છે.

પદ્મપુરાણમાં જણાવ્યા પ્રમાણે, આ વ્રત રાખવાથી કન્યાદાન અને હજારો વર્ષોની તપસ્યા કરતાં પણ વધુ પુણ્ય મળે છે, જે ઉપવાસ કરનારને મોક્ષ અપાવે છે. 

આ સાથે ઈન્દિરા એકાદશી પર પિતૃઓને પ્રસન્ન કરવા કેટલાક સરળ અને અસરકારક ઉપાયો કરી શકાય છે, જેમાં દક્ષિણ દિશામાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. એક કાળા કપડામાં કાળા તલ અને દાળ મુકીને ગાયને ખવડાવવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. આ ઉપરાંત પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી અને પરિક્રમા કરવાથી પણ વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. 

ઇન્દિરા એકાદશી પર વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રનો પાઠ અને 'ૐ નમો ભગવતે વાસુદેવાય નમઃ' મંત્રનો જાપ કરવાથી પૂર્વજોના આત્માઓને શાંતિ મળે છે. આ ઉપરાંત જરૂરિયાતમંદોને ઘી, દૂધ, દહીં અને ચોખાનું દાન કરવાથી પૂર્વજોના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે. આ પવિત્ર દિવસ પૂર્વજો પ્રત્યે શ્રદ્ધા અને ભક્તિનું પ્રતીક છે. ભક્તિભાવથી આ વ્રત રાખવાથી પૂર્વજોને મુક્તિ મળે છે, તેમજ ઉપવાસ રાખનારનું જીવન પણ સમૃદ્ધ બને છે.