‘શું ગુજરાત પાકિસ્તાનમાં છે?' કેવડિયામાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સના વિરોધ પર પરેશ રાવલનો જવાબ

September 12, 2026

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના આયોજન સ્થળને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં નવો વિવાદ તથા ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. વર્ષોથી દેશની રાજધાની દિલ્હીમાં યોજાતા આ પ્રતિષ્ઠિત સમારોહને આ વખતે ગુજરાતના કેવડિયા ખાતે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેના પર કેટલાક નેતાઓ અને વિરોધીઓ દ્વારા સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને આ જ મુદ્દા પર બોલિવૂડના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે આક્રમક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. વેન્યુ શિફ્ટ કરવાના નિર્ણયનો બચાવ કરતા પરેશ રાવલે આલોચકોની ઝાટકણી કાઢી હતી. તેમણે સવાલ કર્યો હતો કે, 'શું ગુજરાત બાંગ્લાદેશ કે પાકિસ્તાનમાં છે? તે પણ આપણા જ દેશનો એક ભાગ છે અને આવા નેશનલ ઇવેન્ટ્સ કોઈ એક શહેર સુધી સીમિત ન રહેતા દેશના દરેક રાજ્યમાં યોજવા જોઈએ. રાજનેતાઓનું કામ જ આ પ્રકારની બાબતો પર સવાલો ઉઠાવવાનું છે, પરંતુ હકીકત એ છે કે ગુજરાત આપણા જ દેશનો અભિન્ન અંગ છે.' આ અગાઉ ફિલ્મમેકર રાહુલ ધોળકિયા અને મનસે પ્રમુખ રાજ ઠાકરેએ આ સેરેમની દિલ્હીથી ગુજરાત ખસેડવા સામે વાંધો ઉઠાવ્યો હતો. વર્ષ 1954થી શરૂ થયેલા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોના ઈતિહાસમાં મંત્રાલયે એક મોટો નીતિગત નિર્ણય લીધો છે, જેના મુજબ હવે આ ઇવેન્ટ માત્ર દિલ્હી પૂરતી મર્યાદિત નહીં રહે પરંતુ દેશના વિવિધ રાજ્યોમાં યોજાશે. આ જ નિર્ણયના ભાગરૂપે આગામી 22 સપ્ટેમ્બર, 2026ના રોજ 72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ સમારોહ ગુજરાતના કેવડિયા (એકતા નગર) ખાતે ભવ્યતાથી યોજાશે, જે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સાકાર કરશે.આ પ્રતિષ્ઠિત પુરસ્કારોમાં વિજેતાઓની જાહેરાત થતા જ ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યન અને 'બ્રહ્મયુગમ્' ફિલ્મમાં શાનદાર અભિનય માટે સાઉથના સુપરસ્ટાર મમ્મુટીને સંયુક્ત રીતે 'બેસ્ટ એક્ટર'ના એવોર્ડથી નવાજવામાં આવશે. જ્યારે ફિલ્મ 'આર્ટિકલ 370'ને 'બેસ્ટ ફીચર ફિલ્મ' તરીકે પસંદ કરવામાં આવી છે અને આ જ ફિલ્મમાં દમદાર અભિનય માટે યામી ગૌતમને 'બેસ્ટ એક્ટ્રેસ'નો નેશનલ એવોર્ડ મળશે. આ ઉપરાંત રણદીપ હુડાને 'સ્વાતંત્ર્ય વીર સાવરકર' માટે 'બેસ્ટ ડેબ્યૂ ડાયરેક્ટર'નો એવોર્ડ મળશે, તથા 'કલ્કી 2898 એડી', 'અમરન', 'પુષ્પા 2', 'ભૂલ ભુલૈયા 3' અને 'સ્ત્રી 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોએ પણ વિવિધ કેટેગરીમાં બાજી મારી છે.