કર્ણાટક કોંગ્રેસમાં ડખાં! સિદ્ધારમૈયાના અઢી વર્ષ પૂરા થતાં નવા મુખ્યમંત્રી માટે ગરમાયું રાજકારણ

January 15, 2025

કર્ણાટકની કોંગ્રેસ સરકારમાં નવા મુખ્યમંત્રીને લઈને ચર્ચાઓ તેજ થઈ ગઈ છે. જોકે, હજુ સુધી પાર્ટી અથવા કોઈ નેતાએ સત્તાવાર રીતે કંઈ નથી કહ્યું. આ દરમિયાન ખબર સામે આવી રહી છે કે, રાજ્ય સરકારમાં મંત્રી આર.બી ટિમ્માપુરે પણ મુખ્યમંત્રી બનવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ખાસ વાત એ છે કે, આ ઘટનાક્રમ એવા સમયે થઈ રહ્યો છે. જ્યારે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા લગભગ અડધો કાર્યકાળ પૂરો કરી ચુક્યા છે. 2023માં ચૂંટણી જીત્યા બાદ રાજ્યમાં કથિત રીતે અઢી વર્ષ બાદ મુખ્યમંત્રી બદલાવાનું નક્કી થયું હતું. 

ટિમ્માપુરે કહ્યું કે, 'દલિતને કેમ મુખ્યમંત્રી પદ ન મળવું જોઈએ? મને મુખ્યમંત્રી કેમ બનાવવા ન જોઈએ? ખાસ વાત છે કે, રાજ્ય સરકારમાં દલિત નેતા ઘણાં મુખ્ય પદો પર રહે, પરંતુ અત્યાર સુધી કોઈપણ મુખ્યમંત્રી નથી રહ્યો. કહેવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી પદની હોડમાં નાયબ મુખ્યમંત્રી ડી.કે શિવકુમાર સૌથી પ્રબળ દાવેદાર છે. હકીકતમાં, 2023 વિધાનસભા ચૂંટણીમાં જીત બાદ કહેવામાં આવી રહ્યું હતું કે, શિવકુમાર મુખ્યમંત્રી પદ માટે દાવો રજૂ કરી રહ્યા છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, પોતાના ઉત્તરાધિકારી પસંદ કરવા માટે સિદ્ધારમૈયા વ્યૂહનીતિ ઘડી રહ્યા છે. એક નેતાએ કહ્યું કે, 'આ ખુલ્લું રહસ્ય છે કે, દલિત મુખ્યમંત્રીની આસપાસ ચર્ચાઓ વધી રહી છે. જેથી, પાર્ટીની અંદર વિરોધને ઘટાડી શકાય. ખાસ કરીને એવા સમયે જ્યારે તેમનો અડધો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે. જોકે, તેમની આ વ્યૂહનીતિનો ખાસ કરીને શિવકુમાર કેમ્પ વિરોધ કરી રહ્યા છે.'

સમગ્ર મામલાના જાણકાર લોકોનું કહેવું છે કે, દલિત નેતા પર સંમતિ બનાવવા માટે એસ.સી-એસ.ટી ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. પરંતુ, કોંગ્રેસ મહાસચિવ રણદીપ સુરજેવાલાના હસ્તક્ષેપ બાદ તેને રદ્દ કરી દેવામાં આવી. કથિત રીત શિવકુમારના કહેવા પર હસ્તક્ષેપ કરવામાં આવ્યો હતો.