કોટા : ટ્રાફિક જામમાં ફસાઈ જતાં 3 વર્ષના બાળકનું મોત, માતા-પિતા પોલીસ સામે કગરતાં રહ્યાં..

February 25, 2025

રાજસ્થાનના કોટામાં નેશનલ હાઈવે-52 પર ભારે ટ્રાફિક જામમાં ફસાઈ જતાં 3 વર્ષના બાળકનું મોત થયું હતું. બાળક બીમાર હતો, તેના માતા-પિતા તેમના બાળકને હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા તે સમયે આ દુઃખદ ઘટના બની હતી. જોકે આ દરમિયાન બાળકના માતા-પિતા પોલીસને ટ્રાફિક જામ હટાવવા કગરતાં રહી ગયા હતા.  લગભગ 3 કલાક સુધી ટ્રાફિક જામમાં અટવાઈ રહેવાને કારણે અને સમયસર સારવાર ન મળતા બાળકનું રસ્તામાં જ મોત થયું હતું. હવે ટ્રાફિક જામમાં ફસાઈ જવાથી બાળકના મોત અંગે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. પોલીસે કહ્યું કે, પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ ફોર્સ તહેનાત કરવામાં આવે છે. કોઈપણ એમ્બ્યુલન્સને અગ્રતાના આધારે જામમાંથી બહાર કાઢવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે 3 વર્ષના બાળકની હાલત ખરાબ હતી. બાળકના પિતાએ જણાવ્યું કે તેમના પુત્રને શરદી અને તાવની ફરિયાદ હતી. તેને ચેચટ સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.બાળકની ગંભીર હાલતને કારણે તેને કોટા રીફર કરાયો હતો. જોકે અમે કોટા માટે નીકળતાં જ દારા નજીક હાઈવે પર ટ્રાફિક જામમાં ફસાઇ ગયા. 3 કલાક સુધી પણ ટ્રાફિક જામમાંથી બહાર ન નીકળી શકવાને કારણે બાળકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.