લદાખના સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુક 13 દિવસથી ભૂખ હડતાળ પર

March 19, 2024

લદાખ: લદાખના પ્રખ્યાત ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકના ભૂખ હડતાળના 13 દિવસ વીચી ચૂક્યા છે. સોમવારે તેમની સાથે 1500 લોકો એક દિવસીય ભૂખ હડતાળ પર હતા. તેમણે એક વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે, કેવી રીતે 250 લોકો તેમના સમર્થનમાં રાત્રે ભૂખ્યા સૂતા. વાંગચુક લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગ કરી રહ્યા છે જે સ્થાનિક લોકોને આદિવાસી વિસ્તારમાં એડમિનિસ્ટ્રેશનનો અધિકાર આપશે. સોનમ વાંગચુકે કહ્યું કે, જ્યારે વિવિધતામા એકતાની વાત આવે છે ત્યારે છઠ્ઠી અનુસૂચિ ભારતની ઉદારતાનું પ્રમાણ છે. આ મહાન રાષ્ટ્ર માત્ર વિવિધતાને સહન નથી કરતું પરંતુ તેને પ્રોત્સાહન પણ આપે છે. તેમણે 6 માર્ચના રોજ '#SAVELADAKH, #SAVEHIMALAYAS' ના અભિયાન સાથે 21 દિવસોની ભૂખ હડતાળ શરૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, જરૂર પડવા પર આ હડતાળને આગળ પર વધારવામાં આવી શકે છે. સોનમ વાંગચુકે એક વીડિયો શેર કરીને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ભ્રમને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. તેમણે કહ્યું કે છઠ્ઠી અનુસૂચિનો હેતુ માત્ર બહારના લોકોને રોકવાનો જ નથી પરંતુ પર્યાવરણની દ્રષ્ટિએ સંવેદનશીલ વિસ્તારો અથવા સંસ્કૃતિઓ- આદિવાસીઓ તમામને સ્થાનિક લોકોથી પણ બચાવવાની જરૂર છે. તેમણે જણાવ્યું કે તે લાગુ થયા બાદથી સ્થાનિક લોકોથી પણ તેમને બચાવી શકાશે. 
પ્રખ્યાત સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકે વિસ્તારથી જણાવ્યું કે, તેમની ભૂખ હડતાળ કરવાનું શું કારણ છે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી ઉદ્યોગની વાત છે તો જે વિસ્તારો સંવેદનશીલ નથી તેને ઈકોનોમિક ઝોન બનાવી શકાય છે જેથી ઉદ્યોગ લાગે, દેશ-દુનિયાથી રોકાણ થાય. તેમાં લદાખના લોકોને કોઈ વાંધો નથી. સોનમ વાંગચુક અને સ્થાનિક લોકો લદાખને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કરવાની માગ કરી રહ્યા છે. કલમ 370 નાબૂદ કર્યા બાદ લદાખ એક કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયો છે અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની જેમ અહીં કોઈ સ્થાનિક કાઉન્સિલ નથી. છઠ્ઠી અનુસૂચિમાં સામેલ કર્યા બાદ લદાખના લોકો સ્વાયત્ત જિલ્લા અને સ્થાનિક પરિષદોની રચના કરી શકશે જેમાં સામેલ લોકો સ્થાનિક સ્તરે કામ કરશે. આ ઉપરાંત તેમની કેન્દ્રીય સ્તરે લોકસભામાં બે બેઠકો અને રાજ્યસભામાં પણ પ્રતિનિધિત્વની માગ છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમ પહેલાથી જ છઠ્ઠી અનુસૂચિમાં સામેલ છે જે આદિવાસી સમુદાયને વિશેષ સુરક્ષા પ્રદાન કરે છે.