ઈન્ડોનેશિયામાં જાવા ટાપુ પર ભૂસ્ખલનથી તબાહી : 16 લોકોના મોત, 9 ગુમ

January 22, 2025

ઈન્ડોનેશિયાના જાવા ટાપુ પર અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે 16 લોકોના મોત થયા છે અને 9 લોકો ગુમ છે. અધિકારીઓએ મંગળવારે આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે બચાવ કાર્યકર્તાઓએ રાહત અને બચાવ કામગીરી દરમિયાન 16 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા જેઓ જાવાના મુખ્ય ટાપુના પર્વતીય ક્ષેત્રમાં સ્થિત ગામોમાં અચાનક પૂરથી વહી ગયા હતા. આ મૃતદેહો કાટમાળ અને ખડકો નીચે દટાયેલા હતા. તેમણે કહ્યું કે પૂર અને ભૂસ્ખલનની ઘટનામાં 9 લોકો ગુમ થયાના અહેવાલ છે.

સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીના વડા, બર્ગસ કટુરસારીએ જણાવ્યું હતું કે સોમવારે મુશળધાર વરસાદને કારણે મધ્ય જાવા પ્રાંતમાં પેકાલોંગન રીજન્સીમાં નવ ગામોમાં નદીના પૂર આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન પહાડી વિસ્તારમાં પહાડોના ઢોળાવ પરથી માટી અને ખડકો નીચે પડ્યા હતા, અનેક વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. તેમણે કહ્યું કે બચાવકર્મીઓએ મંગળવાર સુધીમાં સૌથી વધુ અસરગ્રસ્ત પેટુંગક્રિનો ગામમાંથી ઓછામાં ઓછા 16 મૃતદેહો બહાર કાઢ્યા છે. ગુમ થયેલા ગ્રામજનોની શોધખોળ ચાલુ છે.