IPL 2026માં નહીં રમે દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલ, સોશિયલ મીડિયા પર જાહેરાત

December 02, 2025

આન્દ્રે રસેલ બાદ હવે વધુ એક સ્ટાર ઓલરાઉન્ડર અને દિગ્ગજ ખેલાડી ગ્લેન મેક્સવેલે IPL 2026માં રમવાથી ઇન્કાર કરી દીધો છે અને જાણે તેણે IPLમાંથી નિવૃત્તિ જ લઈ લીધી હોય એ રીતે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી ચાહકોની ચિંતા વધારી દીધી છે. આ પહેલા ફાફ ડુપ્લેસિસે પણ આઇપીએલમાંથી નામ પરત લઈ લીધું હતું. અનેક લોકો માની રહ્યા છે કે 37 વર્ષીય મેક્સવેલની હવે આઇપીએલમાં કરિયર ખતમ થઈ ચૂકી છે કેમ કે તે આગામી વર્ષે 38 વર્ષનો થઈ જશે. તે સતત ઈજાઓનો સામનો કરી રહ્યો છે. એવામાં તે ભવિષ્યમાં આગળ રમશે કે નહીં તે કહેવું મુશ્કેલ છે. 2019 બાદ પહેલીવાર એવું થશે કે મેક્સવેલ આઇપીએલમાં ભાગ નહીં લે. જોકે મેક્સવેલે આઇપીએલની હરાજીમાંથી નામ પાછું ખેંચવાનું કારણ પણ જણાવ્યું છે. તેણે એક પોસ્ટ શેર કરી હતી જેમાં કહ્યું કે આ મારા માટે એક મોટો નિર્ણય છે. પણ હું આઇપીએલથી મળેલા દરેક બોધપાઠ અને અનુભવ માટે આભારી છું. આઇપીએલએ મને એક ખેલાડી, માનવી તરીકે નિખાર્યો છે. વિશ્વસ્તરીય ટીમ અને ખેલાડીઓ સાથે રમવા, શાનદાર ફ્રેન્ચાઇઝીનું પ્રતિનિધિત્વ કરવા અને લાગણીશીલ ભારતીય ચાહકો સામે પ્રદર્શન કરવું મારા કરિયરની ખાસ પળો સમાન છે. તેમણે સમર્થકોને કહ્યું કે જલદી જ ફરી મળીશું.