ચંબામાં વાદળ ફાટતાં હોડીની જેમ પુલ પાણીમાં વહી ગયો, લોકોના ઘર અને ખેતરોમાં પાણી ઘુસ્યા

July 07, 2025

હવામાન વિભાગની ચેતવણી બાદ હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. થોડા દિવસ પહેલા હિમાચલ પ્રદેશમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી હતી. આ પછી રવિવારે ચંબા જિલ્લામાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે. જિલ્લાના ચુરાહમાં બે જગ્યાએ વાદળ ફાટવાની ઘટના બની હતી.

પીડબ્લ્યુડી દ્વારા બાઘેગઢ પંચાયતમાં કાંગેલા નાલા પર પુલ બનાવવામાં આવ્યો હતો, જે વાદળ ફાટવાના કારણે ધોવાઈ ગયો હતો. પુલ ધોવાઈ જવાથી લોકોનું રોજિંદુ જીવન પણ મુશ્કેલીમાં મુકાઈ ગયું છે. સદભાગ્યે જ્યારે વાદળ ફાટ્યો ત્યારે તે સમયે પુલ પરથી કોઈ વાહન પસાર થઈ રહ્યું ન હતું કે કોઈ પસાર થતું ન હતું.

આવી સ્થિતિમાં, મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. આ ઉપરાંત અચાનક પૂરને કારણે ઘણા વિસ્તારોમાં ખેતરો અને ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા, પરંતુ હજુ સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા નથી. આ ઉપરાંત, ટિકરીગઢના બંધા નાલામાં વાદળ ફાટવાથી પાકને પણ નુકસાન થયું છે.