મણિપુરના CM બીરેન સિંહનું રાજીનામું, સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રહેવા આદેશ

February 09, 2025

મણિપુર : મણિપુરના રાજકારણમાં મોટી ઉથલપાથલ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી એન.બિરેન સિંહે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. થોડા સમય પહેલાં જ બિરેન સિંહ ભાજપ સાંસદ સંબિત પાત્રા, મણિપુર સરકારના મંત્રી અને ધારાસભ્યો સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરવા રાજભવન પહોંચ્યા હતા. આ નિર્ણય પહેલા તેઓ દિલ્હી ગયા હતા અને અહીં તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે રાજીનામું આપ્યા બાદ ગૃહમંત્રાલયે તમામ સુરક્ષા એજન્સીઓને હાઈએલર્ટ પર રહેવા આદેશ આપ્યો છે. 


છેલ્લા ઘણા સમયથી બિરેન સિંહ મુદ્દે ભાજપ ધારાસભ્યો નારાજ હોવાના અહેવાલ હતા. મણિપુરમાં ભાજપના 19 ધારાસભ્યોએ બિરેન સિંહને મુખ્યમંત્રી પદેથી હટાવવા માટે ઓક્ટોબર-2024માં માંગ કરી હતી અને તેમણે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. આ પત્ર પર હસ્તાક્ષર કરનારાઓમાં વિધાનસભાના અધ્યક્ષ થોકચોમ સત્યવ્રત સિંહ, મંત્રી થોંગમ વિશ્વજીત સિંહ અને યુમનામ ખેમચંદ સિંહનું નામ સામેલ છે. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે, મણિપુરના લોકો ભાજપ સરકારને સવાલ કરી રહ્યા છે કે, રાજ્યમાં હજુ સુધી શા માટે શાંતિ સ્થાપવામાં આવી નથી. જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો ધારાસભ્યો રાજીનામા આપે તેવી માંગ કરવામાં આવી રહી છે.