USમાં માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર હિન્દુત્વના રંગે રંગાયું

October 03, 2023

અમેરિકાના સિએટલમાં આવેલા રેડમન્ડ વિસ્તારમાં વિશ્વની દિગ્ગજ આઈટી કંપની માઇક્રોસોફ્ટનું ઘર, રેડમન્ડ સંપૂર્ણપણે હિન્દુત્વના રંગે રંગાયેલું દેખાયું હતું કેમ કે ત્યાં ભારે ધામધૂમ સાથે ગણેશ ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. 15 ફૂટ ઊંચી ભગવાન ગણેશજીની પ્રતિમાને ભક્તોએ રેડમન્ડના રાજાનું બિરુદ આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે રેડમન્ડ જ માઇક્રોસોફ્ટનું વડું મથક છે. આ કાર્યક્રમમાં ભારતીય અમેરિકન સમુદાયના આશરે 20 હજાર લોકો હાજર રહ્યા હતાં. કાર્યક્રમ દરમિયાન ભગવાન ગણેશજીની પ્રતિમાને રેડમન્ડના ડાઉનટાઉન પાર્કમાં સ્થાપિત કરવામાં આવી હતી અને તેની શાનદાર સજાવટ કરવામાં આવી હતી.

આ દરમિયાન ભારતીય અમેરિકન સમુદાયે ઘણાબધા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરીને માહોલને સંપૂર્ણપણે ભારતીય બનાવી દીધો હતો. આ કાર્યક્રમમાં સાન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતના મહાવાણિજ્ય દૂતાવાસના વડા શ્રીકર રેડ્ડી પણ હાજર રહ્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિના પ્રચાર અને એકતામાં ભારતીય તહેવારોની મહત્ત્વની ભૂમિકા છે.

આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ભારતીય મૂળના કલાકારોના ગ્રૂપ બીટ્સ ઓફ રેડમન્ડના લગભગ 150 લોકોની ટીમે ઢોલ, મંજીરા વગાડીને ઉપસ્થિત લોકોને પ્રભાવિત કરી દીધા હતાં.