બરસાનામાં 'લડ્ડુ માર' હોળી દરમિયાન અકસ્માત, દાદરની રેલિંગ તૂટવાથી 20થી વધુ ઘાયલ

March 18, 2024

મથુરાના બરસાનામાં 'લડ્ડુ માર' હોળી દરમિયાન, 'રાધા રાણી મંદિર' પર ભક્તોનુ ઘોડાપુર ઉમટ્યું હતુ. મોટી સંખ્યામાં ભક્તોના આગમનને કારણે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ દરમિયાન 'રાધા રાણી મંદિર'માં સીડીની રેલિંગ તૂટી પડતા 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. મંદિરના પૂજારીએ પોતે આ અંગે સમાચાર એજન્સીને માહિતી આપી છે.

આ ઘટના રવિવારે સાંજે બની હતી જ્યારે ભક્તો મંદિરના દરવાજા ખોલવા માટે ઘણા કલાકો સુધી રાહ જોઈ રહ્યા હતા. મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર હોળી પહેલા મંદિરમાં ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અને રેલિંગ પડી જતાં મોટી સંખ્યામાં ભક્તો મંદિરમાં આવી ગયા હતા.

બરસાનાના સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્રના પ્રભારી ડૉ. મનોજ વશિષ્ઠે જણાવ્યું હતું કે ઘટના બાદ 22 લોકોને કેન્દ્રમાં લાવવામાં આવ્યા હતા અને તેમાંથી મોટાભાગનાને ફ્રેક્ચર થયું છે. દરમિયાન, જિલ્લા મેજિસ્ટ્રેટ શૈલેન્દ્ર કુમાર સિંહે જણાવ્યું હતું કે ઘાયલોને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. બાદમાં ભીડને કાબુમાં લેવામાં આવી હતી જેના કારણે ભક્તોને દર્શન કરવામાં સરળતા રહી હતી.