સુદાનમાં 3000થી વધુ ભારતીયો ફસાયા,ભારત પોતાના લોકોને ઘરે લાવવા તમામ પ્રયાસો કરશે

April 22, 2023

યમન સંકટ હોય, યુક્રેન હોય કે કોરોનાનો સમયગાળો...ભારતે વિશ્વમાં ફસાયેલા પોતાના લોકોને ઘરે લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે. ફરી એકવાર વિદેશમાં રહેતા ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે અને આ વખતે ખતરો આફ્રિકન દેશ સુદાનમાં છે. દેશની સેના અને અર્ધલશ્કરી દળોના જવાનો વચ્ચે લડાઈ ચાલું છે. જેમાં 415 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. એવું માનવામાં આવે છે કે સુદાનમાં 3,000થી વધુ ભારતીયો ફસાયેલા હોઈ શકે છે.

સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે ત્યાંની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ફસાયેલા ભારતીયો માટે ચિંતા વ્યક્ત કરી છે અને સંબંધિત અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢવા માટે કહ્યું છે. આ માટે PM મોદીએ શુક્રવારે (21 એપ્રિલ) એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.