નક્વીની નવી નૌટંકી, એશિયા કપ ટ્રોફીના મુદ્દાથી બચવા ICCની બેઠકમાં નહીં આવે, દુબઈ ભાગવાની ફિરાકમાં

November 05, 2025

એશિયા કપ 2025ની ટ્રોફી ચોરનારા પાકિસ્તાનના ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વીએ નવો ડ્રામા શરૂ કરી દીધો છે. વાસ્તવમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ટ્રોફીનો મુદ્દો દુબઈમાં ચાલી રહેલી આઈસીસીની બેઠકમાં ઉઠાવે તેવી સંભાવના છે, ત્યારે નક્વી આ વિવાદથી બચવા માટે દુબઈ ભાગવાની ફિરાકમાં હોવાની વિગતો સામે આવી છે. ચર્ચા મુજબ, નકવી આઈસીસીની એક્ઝિક્યુટિવ બોર્ડ બેઠકમાં ભાગ નહીં લે. ICCની બેઠક મંગળવાર (5 નવેમ્બર)થી શરૂ થઈ ગઈ છે. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC)ના પ્રમુખ નક્વીને ડર છે કે, બેઠકમાં બીસીસીઆઈનો સામનો કરવો પડી શકે છે. કારણ કે તેમણે એશિયા કપની ફાઈનલ મેચ જીતનાર ભારતીય ખેલાડીઓને ટ્રોફી આપી ન હતી. પહલગામ હુમલા બાદ નક્વીએ ભારત વિરોધી નિવેદનો કર્યા હતા, જેના કારણે ભારતીય ખેલાડીઓએ નક્વીના હાથે ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. રિપોર્ટ મુજબ, નકવી ઘરેલુ રાજકીય મુદ્દાઓને કારણે બેઠકથી દૂર રહી શકે છે. જોકે પીસીબી સૂત્રોએ સ્પષ્ટ કહ્યું નથી કે, તેઓ કયા રાજકીય મુદ્દાઓના કારણે બેઠકમાં આવવાના નથી. પીસીબીના એક સૂત્રએ જણાવ્યું કે, બોર્ડના મુખ્ય ઓપરેટિંગ ઓફિસર (COO) સુમૈર સૈયદ મુખ્ય કાર્યકારીઓની બેઠકમાં ભાગ લેશે અને જો નકવી દુબઈની મુસાફરી નહીં કરે તો સાતમી નવેમ્બરે યોજાનારી બોર્ડ મીટિંગમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરી શકે છે. સૂત્રએ એવું પણ કહ્યું કે નકવી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકમાં જોડાઈ શકે છે. વાસ્તવમાં એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાવીને ટ્રોફી જીતી હતી, જોકે આ દરમિયાન ભારતીય ટીમે પાકિસ્તાનના ગૃહમંત્રી અને એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ICC) તેમજ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસિન નક્વી (Mohsin Naqvi) પાસેથી ટ્રોફી લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ ઉપરાંત પહલગામ હુમલાના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવભર્યા સંબંધોના કારણે એશિયા કપની મેચો દરમિયાન ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાને હાથ મિલાવવાનો પણ ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ભારતીય ટીમે પણ ત્રણ મેચોમાં પાકિસ્તાનના ખેલાડીઓને હાથ મિલાવ્યા ન હતા. નક્વીએ પહેલા જ કહ્યું હતું કે, ટ્રોફી તો હું જ ભારતને આપીશ. જીતને એક મહિનાથી વધુ સમય થઈ ગયા પછી પણ બીસીસીઆઈને હજી સુધી ટ્રોફીના સત્તાવાર હસ્તાંતરણની રાહ જોવી પડી છે.