નેતન્યાહૂ પર આવી નવી મુસીબત, ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે ભ્રષ્ટાચાર કેસમાં ફરી સુનાવણી શરૂ

December 05, 2023

જેરુસલેમ  :ઈઝરાયેલ-હમાસ વચ્ચેના યુદ્ધને 2 મહિના થવા આવ્યા છે, હમાસે શરૂ કરેલા હુમલા બાદ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના આદેશ બાદ ઈઝરાયેલી સેના હમાસ હુમલાખોરો પર હાવી બની ગઈ છે, તો બીજીતરફ યુદ્ધ વચ્ચે બેન્જામિન નેતન્યાહૂ પર નવી મુસીબત આવી ચઢી છે. યુદ્ધના કારણે બે મહિનાના અંતરાલ બાદ ઇઝરાયેલની જિલ્લા અદાલત આજે એટલે કે મંગળવારથી નેતન્યાહુના ભ્રષ્ટાચારના કેસની સુનાવણી ફરી શરૂ કરશે. હમાસે 7 ઓક્ટોબરે શરૂ કરેલા હુમલા બાદ ઈઝરાયેલ ગાઝા પટ્ટીમાં ખતરનાક હુમલાઓ કરી રહી છે.

નેતન્યાહૂ પર આરોપ છે કે, તેમણે બેઝેક માલિકીની વેબસાઈટ ‘વલ્લા’ને પોતાના પક્ષ તરફી મીડિયા કવરેજ કરવા કહ્યું હતું, જેના માટે તેમણે બેઝેક ટેલીકોમ્યુનિકેશન્સને લાભ આપવા ફાયદાકારક નિયમનકારી પગલા પણ ઉઠાવ્યા હતા. ત્યારે આ મામલે યેરુશલેમ જિલ્લા અદાલત 74 વર્ષિક નેતન્યાહુ પર સુનાવણી શરૂ કરશે. અગાઉ જૂનમાં 3 ન્યાયાધીશોએ ફરિયાદી પક્ષને ભલામણ કરી હતી કે, તેઓ લાંચના આરોપો પરત લે, જોકે ફરિયાદી પક્ષે આરોપો પરત લેવાનો ઈન્કાર કરી કેસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. ત્યારબાદ કોર્ટે સંબંધિત લોકોની જુબાની સાંભળી.

અગાઉ 20 સપ્ટેમ્બરે નેતન્યાહુ સામે ભ્રષ્ટાચારના કેસની સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે રજાઓનો સમયગાળો હોવાથી કોર્ટે કેસને સ્થગિત કરી દીધો હતો. ત્યારબાદ 7 ઓક્ટોબરે હમાસના ઈઝરાયેલ પર હુમલા અને ત્યારબાદ યુદ્ધના કારણે કેસની સુનાવણી સ્થગિત રખાઈ. કોર્ટે યુદ્ધ ચાલી રહ્યું હોવાના કારણે અતિઆવશ્યક કેસની જ સુનાવણી કરી રહી હતી અને નેતન્યાહૂનો કેસ અતિઆવશ્યક ન હોવાનું માની સુનાવણી કરાઈ ન હતી. જોકે ગત સપ્તાહે ન્યાયાધીશ યારિવ લેવિને કોર્ટનું સામાન્ય કામકાજ ફરી શરૂ કરવા મંજૂરી આપી દીધી હતી. નેતન્યાહૂને કોર્ટમાં હાજર રહેવામાંથી રાહત અપાઈ છે, જોકે તેમણે કેટલાક મહિનાઓમાં જુબાની આપવા કોર્ટમાં હાજર થવુ પડી શકે છે. નેતન્યાહુ પર છેતરપિંડી અને વિશ્વાસઘાતના આરોપોના કેસ પણ થયેલા છે.