તેલંગણામાં ઓવરડોઝ આપી માતા-પિતાની હત્યા કરનાર નર્સનો હોસ્ટેલમાં આપઘાત, ઇન્સ્ટાગ્રામ પ્રેમમાં હત્યાનું ષડયંત્ર રચ્યું

August 24, 2026

સંગારેડ્ડી  : તેલંગાણાના સંગારેડ્ડી જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પોતાના જ માતા-પિતાની હત્યાના આરોપમાં ધરપકડ થયેલી 24 વર્ષીય નર્સ નક્કાલા સુરેખાએ હોસ્ટેલમાં કથિત રીતે આત્મહત્યા કરી લીધી છે. સૌથી હેરાન કરનારી વાત એ છે કે જે દવાનો ઉપયોગ તેણે માતા-પિતાની હત્યા માટે કર્યો હતો, તે જ દવાનો ઉપયોગ કરીને તેણીએ પોતાનો જીવ પણ ટૂંકાવી લીધો છે.

સુરેખા સંગારેડ્ડીની એક ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હતી. ઇન્સ્ટાગ્રામ મારફતે તે એક યુવકના સંપર્કમાં આવી હતી અને તેની સાથે લગ્ન કરવા માંગતી હતી, જોકે તેના માતા-પિતા આ સંબંધની વિરુદ્ધમાં હતા. આ વિરોધથી નારાજ થઈને નર્સ હોવાનો ફાયદો ઉઠાવી તેણીએ હોસ્પિટલમાંથી બેભાન કરવાનું હાઇડોઝ ઇન્જેક્શન મેળવ્યું હતું. 24 જાન્યુઆરી 2026ના રોજ તેણીએ માતા-પિતાને દવાનો ઓવરડોઝ આપીને મારી નાખ્યા અને તેને કુદરતી મોત દર્શાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાસ્થળેથી ખાલી સિરિંજ મળતાં પોલીસને શંકા ગઈ અને તપાસ બાદ તેની ધરપકડ કરી ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાઈ હતી.

તાજેતરમાં જામીન બાદ સંગારેડ્ડીના શાંતિનગર સ્થિત એક ખાનગી હોસ્ટેલમાં રહેતી સુરેખાએ આત્મહત્યા કરી લીધી હતી. પ્રારંભિક તપાસ મુજબ તેણીએ જ ઝેરી દવાનો ઉપયોગ કર્યો હતો જે તેના પોતાના માતા-પિતાની હત્યા કરવામાં વાપરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. હાલ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે કે આત્મહત્યા પાછળનું મુખ્ય કારણ શું હતું અને જામીન પર આવ્યા બાદ તેણીએ આ દવા ક્યાંથી મેળવી હતી.