એક સમયે તેંડુલકર સાથે તુલના થઈ હતી પણ ટીમ ઈન્ડિયામાં મોકો ન મળ્યો, હવે દેશની દીકરીઓને વર્લ્ડ ચેમ્પિયન બનાવી

November 04, 2025

ભારતીય મહિલા ટીમે ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025 જીતીને ઈતિહાસ રચી દીધો છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતે 2 નવેમ્બર રવિવારના રોજ નવી મુંબઈમાં ડીવાય પાટિલ સ્પોર્ટ્સ એકેડેમીમાં રમાયેલી ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલીવાર મહિલા વર્લ્ડ કપ જીત્યો છે. આ ઐતિહાસિક જીત પાછળ ભારતીય ખેલાડીઓના દમદાર પ્રદર્શનની સાથે-સાથે ટીમના હેડ કોચ અમોલ મજુમદારની ભૂમિકાને પણ ઓછી ન આંકી શકાય. મજુમદાર દ્વારા ઘડવામાં આવેલી રણનીતિઓ ટીમ માટે અસરકારક સાબિત થઈ. ટુર્નામેન્ટમાં સતત ત્રણ મેચ હાર્યા બાદ ભારતીય ટીમ થોડી પાછળ પડી ગઈ હતી, પરંતુ મજુમદારે તેના ખેલાડીઓમાં આત્મવિશ્વાસ જગાડ્યો અને તેમને સારું પ્રદર્શન કરવા માટે પ્રેરણા આપી. ટીમ ઈન્ડિયાની જીત માત્ર ટેકનિકલી જ નહીં પણ માનસિક રીતે પણ મજબૂત ક્રિકેટનું પરિણામ હતું. આનો શ્રેય અમોલ મઝુમદારની શાંત પરંતુ સચોટ કોચિંગ સ્ટાઈલને જાય છે. મઝુમદાર ભારતીય ક્રિકેટના સૌથી પ્રતિભાશાળી ખેલાડીઓમાંના એક હતા જેમને ક્યારેય આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક નહોતી મળી. તેમણે ઘરેલુ ક્રિકેટમાં રનનો પહાડ બનાવ્યો હતો, પરંતુ ભારતીય ટીમની જર્સી પહેરવાનું તેમનું સ્વપ્ન અધૂરું રહી ગયું. મહિલા ટીમને વર્લ્ડ કપમાં કોચિંગ આપ્યા પછી મઝુમદારનું આ દુઃખ ચોક્કસપણે થોડું ઓછું થયું હશે. 50 વર્ષીય અમોલ મઝુમદારની કોચિંગમાં ભારતીય મહિલા ખેલાડીઓના આત્મવિશ્વાસ, ફિટનેસ અને ટેકનિકલ કૌશલ્યમાં જબરદસ્ત સુધારો જોવા મળ્યો છે. તેમના અંડરમાં પ્રતિકા રાવલ, ક્રાંતિ ગૌડ અને અમનજોત કૌર જેવી યુવા ખેલાડીઓએ પોતાની કુશળતા નિખારી. મઝુમદારના કોચિંગમાં ટીમ ઈન્ડિયાએ ન માત્ર વર્લ્ડ કપ જીત્યો, પરંતુ વિશ્વને એ પણ દેખાડી દીધું કે ભારતની મહિલા ટીમ હવે કોઈપણ ટીમને ટક્કર આપવામાં સક્ષમ છે.