PM મોદીના નામે વધુ એક રેકોર્ડ, 'X' પર થયા 10 કરોડ ફોલોઅર્સ

July 15, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એક મોટી ઉપલબ્ધિ મેળવી છે. PM મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર 100 મિલિયન ફોલોઅર્સનો (10 કરોડ) આંકડો પાર કરી લીધો છે. આ સાથે વડાપ્રધાન દુનિયામાં 'X' પર સૌથી વધુ ફોલો કરવામાં આવેલા રાજનેતા બની ગયા છે.

છેલ્લા ત્રણ વર્ષમાં વડાપ્રધાન મોદીના એક્સ એકાઉન્ટ પર ફોલોઅર્સમાં મોટો વધારો થયો છે. માત્ર ત્રણ વર્ષમાં જ 30 મિલિયન યુઝર્સ વડાપ્રધાન મોદીના એકાઉન્ટ સાથે જોડાયા છે. PM મોદી X પર ફોલોઅર્સની બાબતમાં માત્ર દેશના જ નહીં, પરંતુ વિશ્વભરના નેતાઓ કરતા ઘણા આગળ નીકળ્યા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ જો બાઈડેનના એક્સ પર 38.1 મિલિયન લોકો ફોલો કરે છે.

જો દેશની વાત કરવામાં આવે તો વિપક્ષી નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી કરતાં વડાપ્રધાન મોદીના ફોલોઅર્સ વધુ છે. 'X' પર રાહુલ ગાંધીના ફોલોઅર્સની સંખ્યા 26.4 મિલિયન છે, જ્યારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના 27.5 મિલિયન ફોલોઅર્સ, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવના 'X' પર 19.9 મિલિયન ફોલોઅર્સ છે.

આ સિવાય પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તેજસ્વી યાદવ, શરદ પવાર જેવા નેતાઓના ફોલોઅર્સની સંખ્યા 10 મિલિયનથી ઓછી છે. જ્યારે મમતા બેનરજીને X પર 7.4 મિલિયન ફોલોઅર્સ, તેજસ્વીના 5.2 મિલિયન ફોલોઅર્સ અને શરદ પવારના 2.9 મિલિયન ફોલોઅર્સ છે.