ભારતની કમાણી જોઈને ચીડાય છે પાકિસ્તાન...એટલે જ ICCના રેવન્યુ મોડેલમાં ઇચ્છે છે ધરખમ ફેરફાર

December 02, 2024

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના શેડ્યુલ અને વેન્યુ પર સસ્પેન્સ યથાવત્ છે. આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનને મળી હતી, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ સુરક્ષાના કારણોસર પાડોશી દેશનો પ્રવાસ નહીં કરે. ભારત સરકારે ભારતીય ક્રિકેટ ટીમને પાકિસ્તાન જવાની મંજૂરી નથી આપી. આ કારણોસર પાકિસ્તાનની ધરતી પર આ આખી ટુર્નામેન્ટનું આયોજન અંસભવ છે. હવે ICC 'હાઇબ્રિડ મોડલ' હેઠળ આ ટુર્નામેન્ટનું આયોજન કરવા માગે છે.  ICCએ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં મોહસીન નકવીને સ્પષ્ટ કહી દીધું હતું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) કાં તો 'હાઇબ્રિડ મોડલ' અપનાવે અથવા ટુર્નામેન્ટમાંથી બહાર થવા માટે તૈયાર રહે. PCB ચીફ નકવી 'હાઇબ્રિડ મોડલ' માટે રાજી છે, પરંતુ કેટલીક શરતો સાથે. PCBની સૌથી મોટી શરત એ છે કે ICC પોતાના રેવન્યૂમાં પાકિસ્તાનનો હિસ્સો 5.75%થી વધારે. આ એક એવી શરત છે જે આખી ગેમ બગાડી શકે છે.  ICC પોતાના વર્તમાન રેવન્યુ મોડલ (2024-27) હેઠળ વાર્ષિક 60 કરોડ ડૉલર(લગભગ રૂ. 5073 કરોડ)નું વિતરણ કરી રહી છે. ICCના રેવન્યુમાં ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI)ને સૌથી વધુ 38.50% (લગભગ 1953 કરોડ રૂપિયા વાર્ષિક) હિસ્સો મળી રહ્યો છે. જ્યારે ઍસોસિયે દેશોની ભાગીદારી 11.19% છે. ઇંગ્લૅન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને દર વર્ષે અનુક્રમે 6.89%, 6.25% અને 5.75% હિસ્સો મળી રહ્યો છે. PCB હવે ICCની આવકમાં તેનો હિસ્સો 5.75%થી વધારવા માગે છે, જે હાલમાં અશક્ય લાગી રહ્યું છે. જો PCB આવકનો હિસ્સો વધારવા પર અડગ રહેશે તો ICC પાકિસ્તાન વગર ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરી શકે છે. જો કે, આનાથી ICCની પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે અને નાણાકીય નુકસાન પણ થઈ શકે છે.