મહારાષ્ટ્રમાં પવારે નાણાં મંત્રાલયની જીદ પકડી, શિંદેને મનાવવા ભાજપમાં દોડાદોડ

December 13, 2024

દિલ્હી : મહારાષ્ટ્રમાં મહાયુતિ સરકારના કેબિનેટનું વિસ્તરણ 14 ડિસેમ્બરે થવાની શક્યતા છે. ગુરૂવારે ડેપ્યુટી સીએમ અજિત પવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તે સમયે તેમણે એનસીપીને ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ આપવાની માગ કરતાં ચીમકી પણ આપી હતી. પવારે કહ્યું કે, જો તેમને આ ખાતું સોંપવામાં ન આવ્યું તો મહાયુતિ સરકારનો કોઈ અર્થ રહેતો નથી. અજિત પવારની અમિત શાહ સાથેની મુલાકાત બાદ એનસીપીના પ્રવક્તા અમોલ મિટકરીએ આ અંગે જણાવ્યું હતું.


અમોલ મિટકરીએ જણાવ્યું હતું કે, અજિત પવારને નાણાં મંત્રાલય સોંપવામાં ન આવે તો સરકારનો કોઈ અર્થ રહેશે નહીં. ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત દરમિયાન અજિત પવાર સાથે પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે અને અજિત પવારના પત્ની ઉપસ્થિત હતા. 2024ની ચૂંટણી પહેલાં શરૂ કરવામાં આવેલી મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના અને ખેડૂતો માટે વીજ બીલ માફી જેવી યોજનાઓના લીધે સરકાર પર નાણાકીય બોજો પડે નહીં તેનું ધ્યાન અજિત પવાર સારી રીતે રાખી શકે છે. મહારાષ્ટ્રમાં નાણાકીય રીતે અનુશાસન માટે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ અજિત પવારને જ સોંપવું જોઈએ.


મિટકરીએ વધુમાં જણાવ્યું હતું કે, નાણાં મંત્રાલય અજિત પવાર માટે એકદમ યોગ્ય છે. તે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટ માટે પરફેક્ટ નેતા છે. અમને જાણવા મળ્યું છે કે, ગૃહ મંત્રાલય ભાજપને મળી રહ્યું છે. તે તેમના માટે યોગ્ય છે. પરંતુ નાણાં મંત્રાલય એનસીપી માટે અનુકૂળ છે.  જો અજિત પવારને નાણાં મંત્રાલય સોંપવામાં ન આવે તો મહાયુતિ હોવાનો કોઈ અર્થ નથી. સંસદ ભવનમાં શાહને મળ્યા બાદ અજિત પવારે કહ્યું કે અમે શેરડી મુદ્દે ચર્ચા કરી. મેં અમિત શાહને શેરડીના ભાવ વધારવા માટે પણ વિનંતી કરી હતી. તેમણે જાન્યુઆરી સુધીમાં નિર્ણય લેવાનું વચન આપ્યું હતું. અજિત પવારે કહ્યું કે કેબિનેટ વિસ્તરણ પર 14 જાન્યુઆરીએ ચર્ચા કરવામાં આવશે. જો કે સીએમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે કેબિનેટ વિસ્તરણની તારીખ હજુ નક્કી કરવામાં આવી નથી.