પંજાબમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર હથોડાવાળી, તંગદિલી વચ્ચે પોલીસે આરોપીને ઝડપ્યો

January 27, 2025

પંજાબના અમૃતસરમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર ચઢીને હથોડાથી મારવાની ઘટના સામે આવી છે. ત્યારબાદ યુવકે ત્યાં રાખેલા બંધારણને પણ આગ લગાવી હતી. જેને લઈને હોબાળો થઇ રહ્યો છે. અમૃતસરથી સ્વર્ણ મંદિર જતા હેરિટેજ સ્ટ્રીટ પર ટાઉન હોલમાં આ ઘટના ઘટી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના અંગે પોલીસે જણાવ્યું કે, એફઆઈઆર નોંધ્યા બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં તે વ્યક્તિ સ્ટીલની લાંબી સીડીનો ઉપયોગ કરીને હથોડી સાથે પ્રતિમા પર ચડતો જોઈ શકાય છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસની આકરી નિંદા કરી હતી. તેમણે કહ્યું કે આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે. સીએમ માને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, 'આ ઘટના અત્યંત નિંદનીય છે અને કોઈને માફ કરવામાં આવશે નહીં. આ ઘટના માટે જે પણ જવાબદાર હશે તેને સખત સજા આપવામાં આવશે. કોઈને પણ પંજાબની ભાઈચારા અને એકતાને ખલેલ પહોંચાડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. વહીવટીતંત્રને આ ઘટનાની તપાસ કરવા અને દોષિતો સામે કડક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.' આ મામલે અમિત માલવિયાએ અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધ્યું હતું. BJP IT સેલના વડા અમિત માલવિયાએ X પર આ ઘટનાનો વીડિયો શેર કરતા લખ્યું, 'એક તરફ સમગ્ર દેશમાં બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે અને ભારતીય બંધારણને સન્માન સાથે યાદ કરવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ પંજાબના અમૃતસરમાં એક વ્યક્તિએ બાબા સાહેબ આંબેડકરની 30 ફૂટ ઊંચી પ્રતિમાને હથોડી વડે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.'