કૈલાશ માનસરોવર યાત્રાની તૈયારી શરૂ, સિક્કિમથી 10 જૂથો થશે રવાના

May 18, 2025

સિક્કિમ- જૂન મહિનામાં ફરી કૈલાશ માનસરોવર યાત્રા શરૂ થવા જઈ રહી છે. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ સિક્કિમથી ફરી યાત્રા શરૂ થવાની છે. આ માટે રાજ્ય સરકારે પૂરજોશમાં તૈયારી શરુ કરી દીધી છે. આ પવિત્ર યાત્રા નાથુ લા પાસથી શરૂ થશે, જે સિક્કિમને ચીનમાં તિબેટ સાથે જોડે છે. 2017માં ડોકલામ વિવાદ અને કોવિડ રોગચાળાને કારણે યાત્રા મુલતવી રખાઈ હતી. જોકે માનસરોવર યાત્રા અંગે ભારત-ચીન વચ્ચે સંબંધો સુધર્યા બાદ સિક્કિમ સ્થિત સરહદ પર માર્ગની કામગીરી અંતિમ તબક્કામાં છે.


ભારત સરકારના વિદેશ મંત્રાલયે ગત મહિને જાહેરાત કરી હતી કે, આ યાત્રા જૂન અને ઓગસ્ટ વચ્ચે બે રૂટથી શરૂ થશે. આ બે રુટમાં ઉત્તરાખંડના લિપુલેખ પાસે અને સિક્કિમના નાથુ લાનો સમાવેશ થાય છે. કબી લુંગચોકના ધારાસભ્ય થિનલી શેરિંગ ભૂટિયાએ કહ્યું કે, નાથુ લા રૂટ પર સારા રસ્તાઓની ઉપલબ્ધતાને કારણે યાત્રા વધુ સલામત અને અનુકૂળ બનશે. આ માર્ગો પર માળખાગત સુવિધાઓનો વિકાસ પૂર્ણ થવાનો છે.

બાંધકામ કાર્યોના લેબર ઈન્ચાર્જ સુનિલ કુમારે કહ્યું કે, આગામી ચારથી પાંચ દિવસમાં અનુકૂલન કેન્દ્રોનું નવીનીકરણ અને પુનર્નિર્માણ પૂર્ણ થવાની આશા છે. યાત્રા ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. રૂટ પર અનુકૂલન કેન્દ્રોમાં 50થી 60 લોકો આરામથી બેસી શકે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
યાત્રામાં બની રહેલા બે અનુકુળ કેન્દ્રોમાંથી એક કપુપ રોડ પર અને બીજું હંગૂ તળાવ પાસે બનાવાઈ રહ્યું છે. દરેક કેન્દ્રમાં બે પાંચ પથારીવાળા અને બે-બે પથારીવાળા મકાનો હશે. અહીં એક તબીબી કેન્દ્ર, કાર્યાલય, રસોડું અને યાત્રાળુઓ માટે અન્ય જરૂરી સુવિધાઓ પણ હશે.