વડાપ્રધાન મોદીએ 1996નો વર્લ્ડ કપ જીતનારી શ્રીલંકન ટીમ સાથે મુલાકાત કરી

April 07, 2025

શ્રીલંકાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ક્રિકેટ ટીમને મળ્યા છે. તેમણે સનથ જયસૂર્યા, અરવિંદ ડી સિલ્વા, ચામિંડા વાસ, અટાપટ્ટુ અને અન્ય ક્રિકેટરો સાથે વાતચીત કરી છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ મુલાકાત વિશે પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, 1996માં વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકન ક્રિકેટ ટીમના સભ્યોને મળીને આનંદ થયો. આ એવી ટીમ છે જેણે માત્ર ટ્રોફી જ જીતી નહીં, પરંતુ વિશ્વભરના લાખો રમત પ્રેમીઓની કલ્પનાને પણ જીવંત કરી છે.

પીએમ મોદીને મળ્યા બાદ પૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા, રમેશ કાલુવિથરાના અને અરવિંદ ડી સિલ્વાએ પ્રતિક્રિયા પણ આપી હતી. જયસૂર્યાએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાનો અનુભવ અદ્ભુત રહ્યો. તેમણે સમજાવ્યું કે ભારત એક રાષ્ટ્ર તરીકે કેવી રીતે વિકસિત થયો છે. અમે બીજી ઘણી બાબતો અને ક્રિકેટ વિશે પણ વાત કરી. અમે તેમની સાથે ભારતમાં સત્તા કેવી રીતે સંભાળી અને તેમણે દેશનો વિકાસ કેવી રીતે કર્યો તે વિશે પણ વાત કરી.

શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યાએ કહ્યું કે નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાત અમારા માટે એક અદ્ભુત અનુભવ હતો. તેમણે ભારત માટે શું કર્યું છે તે વિશે વિગતવાર જણાવ્યું. તે જ સમયે, અરવિંદ ડી સિલ્વાએ કહ્યું કે દુનિયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સન્માન કરે છે. તેમણે પોતાના દેશ ભારત માટે ઘણું કર્યું છે. આટલા મોટા દેશના ત્રીજી વખત વડાપ્રધાન બનવું એ પોતે જ એક સિદ્ધિ છે.