રશિયામાં ચૂંટણી જીત્યા બાદ પુતિને ત્રીજા વિશ્વ યુદ્ધની આપી ધમકી

March 18, 2024

રશિયામાં સતત ત્રણ દિવસ હાથ ધરાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વ્લાદિમીર પુતિને એકવાર ફરી ઐતિહાસિત જીત નોંધાવી છે. પુતિન પાંચમીવાર રશિયાનું શાસન સંભાળશે. સોમવારે પરિણામોની જાહેરાત થયા બાદ પુતિને પ્રથમ સંબોધન કર્યું હતું. જેમાં પશ્ચિમી દેશોને ધમકી આપી હતી. પુતિને દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની ધમકી ઉચ્ચારી હતી.

તેમને જણાવ્યું કે, ''અમેરિકી નેતૃત્તવ ધરાવતા નાટો ગઠબંધનમાં જો સંઘર્ષ થશે તો આનો અર્થ કે આ દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધથી માત્ર એક ડગલું દૂર હશે અને કદાચ કોઈ એવી સ્થિતિ જોવા માગે છે.'' અમેરિકા અને પશ્ચિમી દેશોએ જ્યારે રશિયાની ચૂંટણીની ટીકા કરી ત્યારે ખુદ પુતિને અમેરિકાની લોકશાહીની મજાક ઉડાવી અને કહ્યું કે 'આખી દુનિયા તેમના (અમેરિકા) પર હસી રહી છે, ત્યાં શું થઈ રહ્યું છે.'

પુતિને સમગ્ર રાજ્ય તંત્ર પર ટ્રમ્પ વિરુદ્ધ તૈનાત હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. પુતિનના વિરોધી ગણાતા એલેક્સી નવલનીના મૃત્યુ પર પુતિને પ્રથમ વખત તેમના નામનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ હવે મૃત્યુ પામ્યા છે અને તેમના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો. નવલનીના તાજેતરમાં જ રશિયન જેલમાં શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. નવલની પુતિનના વિરોધી માનવામાં આવતા હતા. પુતિન પર નવલનીના મૃત્યુનો આરોપ હતો.