રાહુલ ગાંધીએ ન્યૂયોર્કમાં મહોબ્બત કી દુકાનનો કર્યો પ્રચાર : કહ્યું, દેશમાં અલગ અલગ બે વિચારધારાની લડાઈ

June 05, 2023

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. વોશિંગ્ટન અને સાન ફ્રાન્સિસ્કોની યાત્રા કર્યા બાદ તેઓ ન્યૂયોર્ક પહોંચ્યા છે. તેમણે અહીં મેનહટનમાં જેવિટ્સ સેન્ટર ખાતે એક સમુદાય રેલીને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે, આ એક શાનદાર યાત્રા રહી છે. તે અદ્ભુત હતું કારણ કે આ પાંચ-છ દિવસોમાં ભારતીય સમુદાયે અમને પ્રેમ અને લાગણી દર્શાવી હતી.

રાહુલે કહ્યું કે જ્યારે હું અહીં આવું છું અને જોઉં છું કે તમે બધા આપણા દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છો. તો મને ગર્વ થાય છે કારણ કે તમે જે રીતે વર્ત્યા છો, તમે જે માનવતા દર્શાવી હતી, તમારી જે સ્વીકૃતિ હતી, તમારામાંથી કોઈમા પણ ઘમંડ નથી. તમે ભારતમાંથી ઘમંડ નથી લાવ્યા.

કૉંગ્રેસના નેતાએ કહ્યું કે તમે અહીં મર્યાદિત માધ્યમો સાથે આવ્યા છો અને તમે કંઈક અદ્ભુત સર્જન કર્યું છે, અને તમારા બધાની અલગ-અલગ મુસાફરી છે, કોઈ વધુ કે ઓછું મહત્વનું નથી. બીજી વસ્તુ તમે એ કરી કે તમે અમેરિકાની સંસ્કૃતિ, અમેરિકાની ભાષા, અમેરિકાનો ઇતિહાસ, અમેરિકાના વિવિધ ધર્મોનો સ્વીકાર કર્યો.