રાજધાની દિલ્હી સહિત 15 રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે

July 07, 2025

દિલ્હી અને તેની આસપાસના નોઈડામાં આજે હવામાન ખુશનુમા છે. આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા છે. ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને કેટલીક જગ્યાએ ગાજવીજ અને વીજળી સાથે ઝરમર વરસાદ પડ્યો હતો. ચોમાસાના વાદળોના વરસાદને કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવાર અને સોમવારે વરસાદ માટે યેલો એલર્ટની ચેતવણી આપી હતી. 

ગઇ કાલે હવામાન ખુશનુમા હતું અને પવનો સાથે હળવા વાદળો પણ વરસ્યા હતા. આજે પણ હવામાનનો મિજાજ બદલાયો છે અને પવનો સાથે ઝરમર વરસાદ પણ પડશે. આજે દિવસભર દિલ્હી-NCRના વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર ભારતમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય છે. પશ્ચિમ બંગાળના ગંગા કિનારાના વિસ્તારો અને તેની આસપાસના વિસ્તારોમાં લો પ્રેશર ક્ષેત્ર બનવાની સંભાવના છે. 

આજથી 7 જુલાઈથી 9 જુલાઈ સુધી, છત્તીસગઢ, વિદર્ભ, પૂર્વ મધ્યપ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન અને મધ્ય મહારાષ્ટ્રના વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આગામી 6-7 દિવસ સુધી ઉત્તરપશ્ચિમ, પશ્ચિમ કિનારા અને ઉત્તરપૂર્વ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આજે હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં પણ ખૂબ સારા વરસાદની આગાહી છે.