રાજુલા, મહુવા, સુત્રાપાડા જળબંબાકાર; ગુજરાતમાં આજે પણ વરસાદી માહોલ

October 28, 2025

રાજ્યમાં કમોસમી વરસાદનો સમય સતત ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો છે. અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમના કારણે હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. ઉત્તર ગુજરાત અને ઉત્તર-પૂર્વ ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી દિવસોમાં રાહત જોવા મળશે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં અમરેલીના રાજુલામાં સર્વાધિક 8.50 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ભાવનગરનું મહુવા 7.24 ઇંચ અને ગીર સોમનાથના સૂત્રાપાડા 6.85 ઇંચ વરસાદ નોંધાયો હતો. સૌરાષ્ટ્રમાં આ પરિસ્થિતિ વચ્ચે, આજે સવારે માત્ર 4 કલાકના ગાળામાં જ અમરેલીના રાજુલામાં 6.22 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે ભાવનગરના મહુવા અને ખેડાના ગળતેશ્વરમાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ચાર કલાકમાં રાજ્યના કુલ 137 તાલુકાઓમાં વરસાદની અસર જોવા મળી હતી. ભારે વરસાદના કારણે ખેતરોમાં તૈયાર ઊભો પાક અને લણણી કરેલ પાથરાઓ (મગફળી)ને વ્યાપક નુકસાન થયું છે. સતત વરસતા આ માવઠાને કારણે ખેડૂતોને આર્થિક નુકસાનની સાથે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા 4 દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગે બુધવારે (28 ઓક્ટોબર) 16 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર-સોમનાથ, દીવ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. અહીં છૂટોછવાયો ભારે વરસાદ જોવા મળી શકે છે. 

બુધવારે (29 ઓક્ટોબર) ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા અને નગર હવેલી, દમણ, ગીર-સોમનાથ, દીવ, જૂનાગઢ અને બોટાદમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારે વરસાદની આશંકા છે. આ સિવાય અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં છૂટાછવાયા સ્થળે અતિ ભારે વરસાદ જોવા મળશે.