મુંબઈ હુમલાના આરોપી રાણાને પટિયાલા હાઉસ કોર્ટમાં લવાયો

April 11, 2025

2008ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને કડક સુરક્ષા વચ્ચે પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવ્યો. NIAએ 20 દિવસના રિમાન્ડની માગ કરી છે. સ્પેશિયલ NIA જજ ચંદ્રજીત સિંહે બંધ રૂમમાં કેસની સુનાવણી કરી. કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ આપવા જોઈએ તે અંગેનો નિર્ણય અનામત રાખ્યો છે.

તહવ્વુર રાણાને આજે અમેરિકાથી ભારત લાવવામાં આવ્યો. ગુરુવારે સાંજે લગભગ 6:30 વાગ્યે રાણાને લઈને યુએસ ગલ્ફસ્ટ્રીમ G550 વિમાન દિલ્હીના પાલમ ટેક્નિકલ એરપોર્ટ પર ઉતર્યું. જ્યાં તેનું મેડિકલ ચેકઅપ થયું, ત્યાર બાદ તેને સીધો NIA હેડક્વાર્ટર લઈ જવામાં આવ્યો.

ભારત પહોંચ્યા પછી રાણાની પહેલી તસવીર પણ સામે આવી છે, જેમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ના અધિકારીઓ તેને પકડીને ઉભા જોવા મળે છે. રાણાને દિલ્હીની તિહાર જેલમાં ઉચ્ચ સુરક્ષા વોર્ડમાં રાખવામાં આવશે.

જોકે, રાણાને ક્યારે અને કયા વોર્ડમાં રાખવામાં આવશે તેનો અંતિમ નિર્ણય કોર્ટના આદેશ પછી જ લેવામાં આવશે. તપાસ એજન્સી NIA અને ગુપ્તચર એજન્સી RAWની સંયુક્ત ટીમ બુધવારે રાણાને લઈને અમેરિકા રવાના થઈ હતી.

ઓક્ટોબર 2009માં, તહવ્વુર રાણાની એફબીઆઈ દ્વારા શિકાગો, અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર મુંબઈ અને કોપનહેગનમાં 26/11ના આતંકવાદી હુમલાઓને અંજામ આપવા માટે જરૂરી સામગ્રી પૂરી પાડવાનો આરોપ હતો. મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ રિચાર્ડ હેડલીની જુબાનીના આધારે તહવ્વુર રાણાને 14 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.