તથ્યો સાથે જવાબ આપીશું: ચૂંટણીમાં ગરબડ મામલે રાહુલ ગાંધીના આરોપ પર ECનું નિવેદન

February 07, 2025

દિલ્હી : કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મૂકેલા મહારાષ્ટ્રમાં મતદાર યાદીમાં ગોટાળાના આરોપ પર ચૂંટણી પંચે પ્રતિક્રિયા આપી છે. ચૂંટણી પંચે કહ્યું કે, આ મામલે સંપૂર્ણ તથ્યો સાથે જવાબ આપવામાં આવશે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ શુક્રવારે (7 ફેબ્રુઆરી) શિવસેના (UBT) સાંસદ સંજય રાઉત અને એનસીપી-એસસીપી સાંસદ સુપ્રીયા સુલે સાથે દિલ્હીમાં એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર આરોપ લગાવ્યા હતા.
રાહુલ ગાંધીના આરોપ પર ચૂંટણી પંચે કહ્યું કે, મતાદારોની સંખ્યા રાજ્યની કુલ વસ્તીથી વધુ હોવાના આરોપ પર લેખિતમાં સંપૂર્ણ તથ્ય સાથે જવાબ આપવામાં આવશે. રાહુલ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યા બાદ ચૂંટણી પંચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટમાં કહ્યું કે, 'ભારતીય ચૂંટણી પંચ રાજકીય પાર્ટીને પ્રાથમિકતા ધરાવતા પક્ષો તરીકે ગણે છે, નિશ્ચિત રૂપે મતદાર સર્વોપરી છે અને રાજકીય પાર્ટીથી આવનારા વિચારો, સલાહ, સવાલોને ઘણું મહત્ત્વ આપે છે'. ચૂંટણી પંચે રાહુલ ગાંધીનું નામ લીધા વિના અને તેમના આરોપોને ટાંક્યા વિના કહ્યું કે, 'ચૂંટણી પંચ સંપૂર્ણ તથ્યાત્મક અને પ્રક્રિયાત્મક પ્રક્રિયાનું પાલન કરીને લેખિતમાં જવાબ આપશે, જેને સંપૂર્ણ દેશમાં સમાન રૂપે અપનાવવામાં આવ્યું છે'.