રોહિત અને વિરાટની ઘરેલુ ક્રિકેટમાં વાપસી! અગરકર-ગંભીરનું તમામ ખેલાડીઓને નવું ફરમાન

December 16, 2025

ભારતીય ટીમના બે મુખ્ય ખેલાડીઓ વિરાટ કોહલી અને રોહિત શર્મા ઘરેલુ ક્રિકેટમાં પાછા ફરવા માટે તૈયાર છે. બીસીસીઆઈ પણ ઇચ્છે છે કે બધાં સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ ધરાવતા ખેલાડીઓ વિજય હજારે ટ્રોફીમાં રમે, જે તેને ફરજિયાત બનાવે છે. મુખ્ય પસંદગીકાર અજિત અગરકર અને કોચ ગૌતમ ગંભીરે તમામ ખેલાડીઓને આ અંગે સૂચનાઓ આપી દીધી છે. અહેવાલો અનુસાર, ભારતીય ટીમના સ્ટાર બેટર વિરાટ કોહલી અને રોહિત શર્માનું ઘરેલુ ક્રિકેટમાં વાપસી લગભગ નિશ્ચિત છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) દ્વારા સોમવારે (15મી ડિસેમ્બર) જાહેર કરાયેલા એક ફરમાનમાં કહેવામાં આવ્યું છે કે BCCI કરાર ધરાવતા ખેલાડીઓ માટે વિજય હજારે ટ્રોફીમાં રમવું ફરજિયાત છે, વૈકલ્પિક નથી. આ ઉપરાંત BCCIએ એક ફરમાન એવો પણ જાહેર કર્યો છે, જેમાં તમામ કેન્દ્રીય કરાર ધરાવતા ખેલાડીઓને 24મી ડિસેમ્બરથી શરૂ થનારી આગામી વિજય હજારે ટ્રોફીના ઓછામાં ઓછા બે રાઉન્ડમાં ભાગ લેવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. વિરાટ કોહલીએ દિલ્હી અને જિલ્લા ક્રિકેટ એસોસિયેશન (DDCA)ને આગામી મુખ્ય ઘરેલુ 50-ઓવરની ટૂર્નામેન્ટ માટે તેમની ઉપલબ્ધતાની જાણ કરી છે, અને રોહિત શર્મા પણ સ્પર્ધામાં મુંબઈ માટે રમવા માટે તૈયાર છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે આ ફરમાન માત્ર વિરાટ અને રોહિત માટે જ હતો, જેનાથી તેને રમવાનો સમય મળી શકે, કારણ કે તે ફક્ત એક જ ODI ફોર્મેટમાં રમે છે. છેલ્લા ત્રણ મહિનાથી તેમના ભવિષ્ય અને 2027ના આફ્રિકાના વર્લ્ડ કપ પ્રવાસમાં તેમની ભાગીદારી અંગે ઘણી અટકળો ચાલી રહી છે. અહેવાલ અનુસાર, BCCIએ હવે સ્પષ્ટતા કરી છે કે આ નિર્દેશ ફક્ત બે સ્ટાર ખેલાડીઓ, રોહિત અને વિરાટને જ નહીં, પરંતુ બધાં ખેલાડીઓને લાગુ પડે છે. ભારત 19મી ડિસેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે પાંચમી અને અંતિમ T20I રમશે, જેમાં અંતિમ T20I અને 11મી જાન્યુઆરીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODI વચ્ચે ત્રણ અઠવાડિયાનો અંતર રહેશે. તેથી ભારતીય બોર્ડ ઇચ્છે છે કે બધા ખેલાડીઓ ઘરેલુ ક્રિકેટ રમે.