રોહિત-કોહલીના સમર્થનમાં ઊતર્યો ગંભીર, હર્ષિત-નીતિશની પસંદગી અંગે પણ મૌન તોડ્યું

November 11, 2024

ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સીરિઝમાં ભારતને 0-3થી હારનો સામનો કરવો પડ્યો હતો. આ હારને કારણે ભારતીય ટીમ માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવું એક મોટો પડકાર બની ગયો છે. હવે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જતા પહેલા ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં ગંભીરને ઘણાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. રોહિત શર્મા પહેલી ટેસ્ટ મેચમાં રમશે કે નહી? તે અંગે ગંભીરે કહ્યું હતું કે, 'રોહિત શર્મા વિશે હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી. આશા છે કે તે મેચ સમયે ઉપલબ્ધ રહેશે. સીરિઝ શરૂ થશેતે પહેલા તમને બધું જ ખબર પડી જશે. જો રોહિત શર્મા ઉપલબ્ધ નહી હોય તો અમારી પાસે કેએલ રાહુલ અને અભિમન્યુ ઇશ્વરન તરીકે ઓપનિંગ વિકલ્પો છે. હું તમને પ્લેઈંગ-11 વિશે કહી શકતો નથી, અમે બેસ્ટ કોમ્બિનેશન સાથે મેદાનમાં ઉતરીશું. બુમરાહ વાઇસ કેપ્ટન છે. રોહિતની ગેરહાજરીમાં તે ટીમનો કેપ્ટન રહેશે.' કેએલ રાહુલને લઈને ગંભીરે એક મોટી વાત કહી હતી. ગંભીરે કહ્યું, 'કેએલ રાહુલ ઓપનિંગ કરી શકે છે. તે નંબર 3 પર કે નંબર 6 પર પણ બેટિંગ કરી શકે છે. આ સારી વાત છે, કારણ કે ઘણાં ખેલાડીઓ આવા વિકલ્પો આપી શકતા નથી.