અલ ફલાહ યુનિવર્સિટીની બિલ્ડીંગ નંબર 17માં 13 નંબરનો રુમ..જ્યાં ઘડાયું આતંકવાદી કાવતરુ

November 12, 2025

દિલ્હી વિસ્ફોટ પછી, તપાસ એજન્સીઓએ અનેક મહત્વપૂર્ણ સંકેતો શોધી કાઢ્યા છે. રોજ સ્ફોટક માહિતી બહાર આવી રહી છે. આરોપીઓના પરિવારના સભ્યોની ATS દ્વારા પૂછપરછ બાદ હવે તપાસ એજન્સીઓનું કેન્દ્ર ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી છે. બિલ્ડીંગ 17 નો રૂમ 13 એ જગ્યા છે જ્યાં સમગ્ર આતંકવાદી કાવતરું ઘડાયું હતું.

આ કાવતરામાં એક મુખ્ય વ્યક્તિ ડૉ. શાહીન અંસારી છે, જેની ધરપકડથી તપાસ એજન્સીઓ ચોંકી ગઈ છે. શાહીન ફરીદાબાદમાં વિસ્ફોટકો સાથે પકડાઈ હતી. તેણે તેની શરૂઆતની પૂછપરછ દરમિયાન વધુ કંઈ કહ્યું ન હતું, પરંતુ હવે, ATS અને ગુપ્તચર એજન્સીઓની તપાસમાં ઘણા સ્તરો ખુલ્યા છે.

મીડિયાના અહેવાલો મુજબ શાહીનના પિતા, સઈદ અંસારીએ કહ્યું કે તેમની પુત્રી દોઢ વર્ષથી પરિવાર સાથે સંપર્કમાં નથી. તેમણે કહ્યું કે તેમના ત્રણ બાળકો છે: શોએબ, શાહીન અને પરવેઝ. શાહીન પહેલા ખૂબ જ સરળ હતી. 2013 માં, તેણે અચાનક મેડિકલ કોલેજમાં નોકરી છોડી દીધી અને ફરી ક્યારેય તેનો સંપર્ક થયો નથી.

શાહીન પહેલા કાનપુરની GSVM મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતી. 2013 માં, તેણે કોઈ જાણ કર્યા વિના નોકરી છોડી દીધી. ત્યારબાદ તેણે મહારાષ્ટ્રના ઝફર હયાત સાથે લગ્ન કર્યા હતા પરંતુ 2015 માં, બંને વચ્ચે વિવાદ થયો, જેના કારણે તેમના સંબંધોનો અંત આવ્યો હતો.