રશિયાએ પોતાના જ શહેર બેલગોરાદ પર ઝીંક્યો બોમ્બ, અનેક ઈમારતોને નુકસાન

April 22, 2023

રશિયન યુદ્ધ વિમાને ગુરુવારે રાતે એક મોટી ભૂલ કરી દીધી. યૂક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે લડાયક વિમાને આકસ્મિક રીતે પોતાના દેશના શહેર બેલગોરાદ પર બોમ્બ ઝીંકી દીધો. તેને પરિણામે 20 મીટર પહોળો ખાડો પડી ગયો. જમીન ધસી પડતાં આસપાસની ઇમારતોને મોટું નુકસાન પહોંચ્યું હતું. બોમ્બ ઝીંકાવાથી એક કારને પણ નુકસાન પહોંચ્યું હતું. બેલગોરાદ યૂક્રેન સરહદ નજીક આવેલું શહેર છે. સરહદથી 2૫ માઇલના અંતરે આવેલું આ રશિયન શહેર 3,70,000ની વસતી ધરાવે છે. રશિયન સમાચાર એજન્સી તાસે આ જાણકારી આપી હતી.

રશિયાના સંરક્ષણ મંત્રીને ટાંકતાં સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય મુજબ રાતે 10:15ના સુમારે એસયુ-34 લડાયક જેટ બેલગોરોદ શહેર પરથી ઊડી રહ્યું હતું. ભૂલથી બોમ્બ ઝીંકાઇ ગયો. બેલગોરાદના મેયર જણાવ્યું કે બોમ્બ પડવાથી અનેક રહેણાક ઇમારતોને નુકસાન પહોંચ્યું હતું. ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. જોકે કોઇ જાનહાનિ નથી.