સાત લાખ કરોડનું રોકાણ મહારાષ્ટ્રથી ઝૂંટવી ગુજરાત ટ્રાન્સફર કરી દેવાયું: રાહુલ ગાંધીનો ભાજપ પર આરોપ

November 18, 2024

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે હવા માત્ર બે દિવસનો સમય રહ્યો છે. રાજ્યમાં 20 નવેમ્બરના રોજ મતદાન થશે અને 23 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે.  આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. રાહુલ ગાંધી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે અદાણી અને પીએમ મોદી પર નિશાન સાધ્યું છે. રાહુલ ગાંધીએ આ દરમિયાન અદાણી અને પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ‘પીએમ મોદીએ ચૂંટણીનો નારો આપ્યો છે. તેમણે કહ્યું છે કે, એક હૈ તો સૈફ હૈ. તેમનો આ નારાથી માત્ર એક જ વ્યક્તિ સાથે મતલબ છે.’ આટલું બોલીને તેમણે પીએમ મોદી અને અદાણીનું પોસ્ટર બતાવ્યું. આમ ફરી એક વખત કોંગ્રેસે વડાપ્રધાન મોદીના ‘હમ એક હૈ, તો સેફ હૈ’ નિવેદનને યાદ કરી ભાજપને આડે હાથ લીધી હતી. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મુદ્દે તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપ ધારાવાની જમીન માત્ર એક જ વ્યક્તિને આપવા માગે છે. આ જ કારણોસર તે આ પ્રોજેક્ટને લઈને આવી રહી છે. ભાજપ અહીં સ્થિત નાના ઉદ્યોગોને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેઓ બધુ માત્ર એક જ વ્યક્તિના હાથમાં આપવા માગે છે.  ધારાવીના વિકાસને લઈને રાહુલ ગાંધીએ કહ્યું કે, અમારી પાસે ધારાવીના વિકાસને લઈને યોજના છે. અમે અહીંના લોકોને ધ્યાનમાં રાખીને પ્લાન બનાવીશું. અમે માત્ર કોઈ એક વ્યક્તિના કહેવા પર પ્લાન નહીં બનાવીશું. અહીં પૂરનો મુદ્દો પણ છે. આપણે તેના પર પણ કામ કરવાનું છે.