જામનગરમાં બે હોમગાર્ડ-જવાનોને ધમકી આપનારા 6 જવાનોને હોમગાર્ડની ફરજમાંથી મોકૂફ

May 18, 2025

જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ક્યુઆર સ્કેનરમાં હાજરી પુરવાનો વિરોધ કરીને જજના બંગલે ફરજ પર ગયેલા બે હોમગાર્ડના જવાનોને તેની સાથેજ ફરજ બજાવતા હોમગાર્ડ જવાનોએ કાઠલો પકડી ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જે પૈકી ત્રણ આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરાઈ છે, તેમજ તમામ 6 હોમગાર્ડ જવાનોને ફરજ મોકુફ કરી દેવાયા છે.
જામનગર- સુભાષ માર્કેટ ગીરધારી મંદિર પાછળ ધોબી શેરીમાં રહેતા રાકેશભાઈ અમૃતલાલ વારા (ઉ.વ.40) અને સાથી હોમગાર્ડના જવાન ધર્મેન્દ્ર મહેતા ગત તા.16ના રોજ જજના બંગલે સુરક્ષા માટે ગયા હતા, ત્યારે આરોપી મનીષ દાઉદીયાએ ત્યાં જઈને કહેલું કે આજે નોકરી પર કેમ આવેલ છો, તેમ કહીને ધમકી આપી હતી. 


જે બાદ બે વાગ્યે બન્ને હોમગાર્ડ જવાનો વિનુ માંકડના પુતળા પાસેથી નિકળતા આરોપીઓ મનીષ દાઉદીયા, હિરેન કુંભારાણા, ધર્મેન્દ્ર જેઠવા, જયેશ પી વારા, સોમીલ વારા અને બ્રિજેશ વારાએ રોકીને કહેલ કે, તમે અમને સાથ નથી આપ્યો તેમ કહ્યું હતું.અને જ્યાં સુધી ક્યુઆર સ્કેનરથી હાજરી પુરવાનું બંધ નહી થાય ત્યાં સુધી કોઈ હોમગાર્ડએ સીટી બી પોલીસ સ્ટેશનમાં નાઈટ રાઉન્ડમાં ફરજ બજાવવાની નથી અમે બધા નક્કી કરેલ છે, તેમ છતા તમે બન્ને ફરજ પર ગયેલ છો તેમ કહીને શર્ટનો કાઠલો પકડીને આજ પછી તુ જજના બંગલે નોકરી પર જઈશ તો ત્યાં જ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.


જામનગરના સીટી બી.ડિવિઝન પોલીસની ટીમેં તમામ છ આરોપીઓ સામે ગુનો નોંધ્યા બાદ 6 પૈકીના ત્રણ આરોપીઓ હિરેન મનસુખભાઈ કુંભારાણા, બ્રિજેશ કિશોરભાઈ વારા, અને સોમીલ વારાની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચલાવાઇ રહી છે.


જેના સામે ફરિયાદ નોંધાઈ છે તે તમામ છ હોમગાર્ડ જવાનોને તાત્કાલિક અસરથી ફરજ મોકુક કરવામાં આવ્યા હોવાનું જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ગીરીશભાઈ સરવૈયાએ જણાવ્યું છે.