સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન રદ, ક્રિકેટરે કહ્યું- આ ચેપ્ટર અહીં જ ક્લૉઝ કરવું છે

December 08, 2025

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ સંગીતકાર પલાશ મુચ્છલ સાથેના લગ્ન રદ કર્યાની સત્તાવાર જાહેરાત કરી છે. સમગ્ર મામલે કેટલા દિવસથી ચાલતી અટકળો વચ્ચે આજે સ્મૃતિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકીને પુષ્ટિ કરી છે કે બંને પરિવારે લગ્ન રદ કર્યા છે. સ્મૃતિએ કહ્યું છે કે તે આ મામલો અહીં જ સમાપ્ત કરવા માંગે છે.  સ્મૃતિએ કહ્યું, કે 'છેલ્લા કેટલાક સમયથી મારા જીવન વિશે ઘણી અટકળો ચાલી રહી છે જેથી મને લાગે છે હવે મારે બોલવું પડશે. મારે સ્પષ્ટતા કરવી છે કે લગ્ન રદ કરવામાં આવ્યા છે. હું આ ચેપ્ટર અહીં જ બંધ કરવા માંગુ છું અને તમને પણ આવું કરવા જ વિનંતી છે. કૃપા બંને પરિવારની પ્રાઈવસીનું સન્માન કરો અને અમને આમાંથી બહાર આવવાનો સમય આપો.'  મહિલા ક્રિકેટ વર્લ્ડકપ જીત્યા બાદ સ્મૃતિ અને પલાશના લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. હાઈપ્રોફાઈલ લગ્નમાં સંગીત તથા હલ્દી સેરેમનીના ફોટોઝ અને વીડિયોઝ પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયા હતા. પલાશે ક્રિકેટ મેદાનની પિચ પર સ્મૃતિને પ્રપોઝ કર્યું હતું. જોકે લગ્નના દિવસે જ સ્મૃતિના પિતાની તબિયત લથડતા લગ્ન મોકૂફ કરવામાં આવ્યા હતા. 
જોકે તે બાદ સોશિયલ મીડિયામાં પલાશને લઈને વિવિધ આરોપો લાગી રહ્યા હતા. સોશિયલ મીડિયામાં લોકોનો દાવો છે કે પલાશ સ્મૃતિને દગો આપી રહ્યો હતો. જેના કેટલાક સ્ક્રીનશોટ પણ વાઈરલ થયા હતા. જોકે આ મામલે બંને પરિવાર તરફથી અત્યાર સુધી મૌન સેવવામાં આવ્યું છે.